વનવિભાગ ટીમ અને કરમસદ દયા ફાઉન્ડેશનની ટીમની 17 કલાકની ભારે જહેમત બાદ વાનરનુ રેસ્ક્યુ કરાયું
બોરસદ તાલુકાના વિરસદના ભાગોળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક વાનરે તોફાન મચાવી દીધું હતું. એકલ દોકલ પસાર થતા ગ્રામજનો પર હુમલો કરીને બચકાં ભરી ત્રણ વ્યકિતઓને લોહીલુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
વિરસદ ગામે ખુબ જ આતંક મચાવનાર વાનરને રેસક્યુ કરવા માટે આણંદ વનવિભાગે કાર્યવાહી કરી હતી. સતત બે દિવસ સુધી જહેમત બાદ વાનરને પીંજરામાં પુરવામાં વનવિભાગ ટીમ અને કરમસદ દયા ફાઉન્ડેશનની ટીમને સફળતા મળી હતી. નાયબ વન સંરક્ષક સુશ્રી નમ્રતા ઇટાલિયન સામાજીક વનીકરણ વિભાગ આણંદના માર્ગદર્શન 17 કલાકની ભારે જહેમત બાદ વાનરનુ રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી. જેના કારણે વિરસદ ગ્રામજનો એ હાશકારો લીધો હતો.
વિરસદના વાનરના આતંક થી ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાનરના હુમલામાં અંજલીબેન ચિમનભાઈ રાવળ, પ્રકાશભાઈ રણછોડભાઈ પરમાર અને સતિષભાઈ ચીમનભાઈ પ્રજાપતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.