Vadodara

વિધાર્થિનીને માનસિક ત્રાસ આપવાના મામલે ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલને રૂ.30 હજારનો દંડ

વડોદરાના ડીઈઓની કાર્યવાહી , અન્ય સ્કૂલોને કડક ચેતવણી
(પ્રતિનિધિ) વડોદરા, તા.20 :
વડોદરાની ભાયલી વિસ્તારમાં આવેલી ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વિધાર્થિનીને માનસિક ત્રાસ અપાતો હોવાના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડીઈઓ કચેરીએ શાળાને રૂ.30,000નો દંડ ફટકાર્યો છે તેમજ અન્ય ખાનગી સ્કૂલોને સરકારના નિયમોનું ઉલ્લંઘન ન કરવા માટે સ્પષ્ટ ચેતવણી આપી છે.

વડોદરા શહેરમાં અગાઉ પણ ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે વાલીઓ દ્વારા ફરિયાદો નોંધાવવામાં આવી છે. આ જ ક્રમમાં ભાયલી સ્થિત ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વાલીની ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તપાસ હાથ ધરી હતી.
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં બાળકો સાથે અનિયમિતતા અને એક વિધાર્થિનીને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે ડીઈઓ કચેરીની ટીમે સ્કૂલની સ્થળ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન સરકાર તરફથી આપવામાં આવેલી સૂચનાઓના ક્રમ નંબર–17નું પાલન ન કરાયું હોવાનું સામે આવતા શાળાને રૂ.30 હજારની પેનલ્ટી કરવામાં આવી છે.
ડીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિધાર્થિનીઓ કે વિદ્યાર્થીઓને શારીરિક કે માનસિક ત્રાસ આપવાની કોઈપણ ઘટના સહન કરવામાં આવશે નહીં. શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે કોઈપણ સ્કૂલ જો સરકારી કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે નિશ્ચિત અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top