શારીરિક અને માનસિક ત્રાસ ગુજારનાર પતિની બાપોદ પોલીસે કરી ધરપકડ :
મોઢામાં રૂમાલ નાખીને ધમકી આપી કે બૂમ પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ

( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરાની હિંદુ યુવતીએ પ્રેમ પર વિશ્વાસ મૂક્યો અને તેને બદલામાં અત્યાચાર મળ્યો હોવાની ઘટના સામે આવી છે. 12 મી જૂનના રોજ મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી રીક્ષા ચાલક પતિ સલમાન પઠાણે આઠ વર્ષ સુધી યુવતીને સાથે રાખી લગ્ન કર્યા અને તેના પર અત્યાચાર ગુજારતો રહ્યો હતો. ના છૂટકે આખરે પત્નિએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી પતિની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
બાપોદ પોલીસ મથકે વિધર્મી પતિથી પીડિત પત્નિએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2024માં સલમાન સલીમખાન પઠાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ તેઓ એકતાનગર પોલીસ ચોકીની સામે, આજવા રોડ વડોદરા ખાતે રહેતા હતા. તેણી ઘરકામ કરતી હતી અને પતિ ઓટોરિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. વર્ષ 2025 માં તેણીને ખબર પડી કે, તેના પતિના અન્ય મહિલા સાથે આડાસંબંધ છે. આ વાત પર પતિને પૂછતાં તેણે ગાળો બોલીને ગળદા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેણી પિયરમાં ગઈ હતી. પતિના પરિવારના સભ્યોએ સમજાવતાં તેણી ફરી સાસરિયામાં ગઈ હતી. થોડા સમય સુધી વર્તન સુધર્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ ફરીથી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો રહ્યો હતો. તેમ છતાં ઘર ન ભાંગે તેવા ઉદ્દેશથી તેણીએ સહન કર્યું હતું. 14 જાન્યુઆરી 2026 ના રોજ પતિ ઘરે ન આવતા ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. ઘરે આવ્યા પછી પૂછતાં ફરી ગાળો બોલીને માર માર્યો હતો. તેણી પિયરમાં ગઈ અને માતા સાથે રહેવા લાગી હતી. બાદમાં 25 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે દવા લેવા જતી વખતે પતિ રસ્તામાં આવીને ગાળો બોલી ધમકી આપી અને ત્રાસ આપ્યો હતો. પત્નિ, માતા અને તેના ભાઈ સાથે રિક્ષામાં કમલાનગર ખાતે પૂજાનો સામાન લેવા જઈ રહ્યા હતા. ત્યારે પતિ સલમાન તેની રિક્ષા લઈને હોસ્પિટલ પાસે આવ્યો હતો અને ફરિયાદીને બળજબરીથી પોતાની રિક્ષામાં બેસાડી લીધી હતી. તેને આજવા-નીમેટા રોડ ખાતે એક ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પૂછ્યું કે તારે મારી સાથે રહેવું છે કે નહીં ? ત્યારે, ફરિયાદીએ કહ્યું કે ઝઘડો ન કરો તો રહીશ. ત્યારે પતિએ ગડદા-પાટુથી માથા પર માર માર્યો હતો. જેથી તેણી રડવા લાગી તો મોઢામાં રૂમાલ નાખીને ધમકી આપી કે બૂમ પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ. ગંદી ગાળો બોલી, ગળું દબાવ્યું અને મુક્કા માર્યા હતા. બાદમાં તે ભાગીને પોતાના ભાઈને કોલ કર્યો અને બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસે વિધર્મી પતિ સલમાન પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શી ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
ફરિયાદી બહેનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તેમજ આરોપીને અટક કરીને તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ જ્યારે આરોપીએ ફરિયાદી બેનની માતાને પણ માર માર્યો હતો. ત્યારે જે તે સમયે પણ એની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીને અટક કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુનાની ચાર્જશીટ થઈ ગઈ છે. હાલ ગુનો કોર્ટમાં પેન્ડિંગ છે અને અત્યારે પણ જે ગુનો દાખલ થયો છે. તે બાબતે પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીની અટક કરી દીધી છે અને આગળની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેમજ જે ભોગ બનનાર બહેન છે એમનું શી ટીમ દ્વારા પણ કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એમને જે કોઈ પણ મદદની જરૂર હશે. એ તમામ મદદ પોલીસ સ્ટેશનથી પૂરી પાડવામાં આવશે અને ફરીથી આવો બનાવ ન બને એ માટે પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાની સઘન તપાસ કરવામાં આવી રહી છે. : એન્ડ્રુ મેકવાન,ડીસીપી ઝોન-4