Vadodara

વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ

પાંચ દિવસમાં ઉકેલ ન આવે તો વાઇસ ચાન્સેલર ઓફિસને તાળાબંધીની ચીમકી

વાઇસ ચાન્સેલરની કેફિયત :
“આઈડી કાર્ડ બનાવેલા છે, વિદ્યાર્થીઓના લોગીનમાં ઉપલબ્ધ છે, માત્ર પ્રિન્ટ કાઢી ઉપયોગ કરવાનો છે”

(પ્રતિનિધિ) વડોદરા, તા. 15

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માં છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ આપવામાં આવતા નથી, જ્યારે દર વર્ષે આઈડી કાર્ડના નામે નિયમિત ફી વસૂલવામાં આવે છે એવો આક્ષેપ કરી વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આઈડી કાર્ડ પરીક્ષા દરમિયાન ઓળખ, યુનિવર્સિટી પ્રવેશ, સરકારી સ્કોલરશીપ, તેમજ વિવિધ શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે અનિવાર્ય દસ્તાવેજ છે. તેમ છતાં હાર્ડ કોપી આઈડી કાર્ડ ન મળતા વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.

આઈડી કાર્ડના અભાવને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં યોગ્ય ઓળખ ચકાસણી થતી નથી, જેના કારણે બહારના અસામાજિક તત્વો સરળતાથી પ્રવેશ મેળવી રહ્યા હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે. છેલ્લા કેટલાક સમયથી છેડતી, મારામારી અને અશાંતિની ઘટનાઓમાં વધારો થયો હોવાનું જણાવાઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતા જનક બાબત છે.

આ મુદ્દે એનએસયુઆઈના આગેવાન સુઝાન લાડમેનની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પહેલેથી જ પોલીસ બોલાવવામાં આવી હોવાની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ, યુનિવર્સિટીની અન્ય ઓફિસ બહાર વિદ્યાર્થીઓ અને વિજિલન્સ સ્ટાફ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી.

વિદ્યાર્થી આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વાઇસ ચાન્સેલરને વિદ્યાર્થીઓ પાસેથી આઈડી કાર્ડના નામે વસૂલાતી રકમ અંગે કોઈ સ્પષ્ટતા નથી. એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ અવધિમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વાઇસ ચાન્સેલર ઓફિસને તાળાબંધી સહિત ઉગ્ર આંદોલન કરવામાં આવશે, અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બીજી તરફ, વાઇસ ચાન્સેલરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “આઈડી કાર્ડ માટે કોઈ અલગ ચાર્જ લેવામાં આવતો નથી. તમામ વિદ્યાર્થીઓના આઈડી કાર્ડ તૈયાર છે અને તેમના લોગીનમાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ માત્ર પ્રિન્ટ કાઢીને તેનો ઉપયોગ કરવાનો છે.”

ઉલ્લેખનીય છે કે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન યુનિવર્સિટી દ્વારા ફી વસૂલવામાં આવે છે, ત્યારબાદ વિદ્યાર્થીઓને સત્તાવાર આઈડી કાર્ડ આપવામાં આવતું હોય છે. જોકે, વિવાદોના પર્યાય બનેલી એમ.એસ. યુનિવર્સિટીમાં હાર્ડ કોપી આઈડી કાર્ડના મુદ્દે વધુ એક વિવાદનો મધપૂડો છંછેડાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top