આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડી યુવતી સહિત 2ને પકડી પાડ્યાં
(પ્રતિનિધિ) આણંદ તા.5
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે વિદ્યાનગર ખાતેથી રોઝ ફેમીલી સ્પાની આડમાં ગેરકાયદેસર કુટણખાનુ પકડી પાડ્યું હતું. આ અંગે સ્પાના સંચાલક યુવક અને યુવતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, વિદ્યાનગરના આર્યરાજ એસ્પાયર, મીલેનીયમ હોટલની ઉપર આવેલા રોજ ફેમીલી સ્પામાં રાખી ગાંગલે નામની યુવતી અને આસીફ વ્હોરા નામનો યુવક ભેગા મળી રોઝ ફેમીલી સ્પાની આડમાં આંતર રાજ્ય અને વિદેશી યુવતીની ગેરકાયદેસર હેરફેર કરી લાવી સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો કરી રહ્યાં છે. આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. અસારી સહીતની ટીમે મંગળવારની મોડી સાંજે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં રોઝ ફેમીલી સ્પાની આડમાં ગેરકાયદેસર કુટણખાનુ ચલાવતા સ્પાના સંચાલક યુવતી રાખી ગાંગલે તેમજ મેનેજર આસીફ વ્હોરા, બે ગ્રાહકો તેમજ 5 યુવતી સાથે કુટણખાનુ ચલાવતા પકડાયાં હતાં. આ અંગે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ધી ઇમોરલ ટ્રાફીકીંગ સહિતની કલમ હેઠળ રાખી કેશરીલાલ ગાંગલે (રહે.મધ્ય પ્રદેશ) અને આસીફ સત્તાર વ્હોરા (રહે.આણંદ, મુળ રહેલા માતર)ની ધરપકડ કરી હતી. આણંદ એસઓજીની પ્રાથમિક તપાસમાં આસીફ અને રાખી છેલ્લા ત્રણેક મહિનાથી સ્પા ચલાવતાં હતાં. તેઓ થાઇલેન્ડ ઉપરાંત ઝારખંડ, હરિયાણા, છત્તીસગઢથી યુવતીઓને લાવી દેહવ્યાપાર કરાવતાં હતાં. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
