Charotar

વિદ્યાનગરમાં વૃદ્ધાને બંધક બનાવી 2 લાખની લૂંટ ચલાવી

આણંદ – વિદ્યાનગરમાં એકલા રહેતા વરિષ્ઠો લૂંટારૂઓના નિશાના પર

આશરે 30થી 35 વર્ષના અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી ચપ્પાના ઘા ઝીંકી દાગીના – રોકડ લુંટી લીધા

(પ્રતિનિધિ) આણંદ તા.30

આણંદ અને વિદ્યાનગરમાં એકલા રહેતા વૃદ્ધ દંપતી છેલ્લા કેટલાક સમયથી તસ્કરોના નિશાના પર જોવા મળી રહ્યા છે. વિદ્યાનગરના નાના બજારમાં આવેલા રૈશી હાઉસમાં ત્રાટકેલા શખ્સે ઘરમાં ઘુસી એકલા રહેલા વૃદ્ધાને મોઢામાં ડુચો મારી, દુપટ્ટાથી બાંધી ચપ્પાનો ઘા ઝીંકી દાગીના તથા રોકડ મળી કુલ રૂ.બે લાખનો મુદ્દામાલ લૂંટી ગયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.

વિદ્યાનગરના નાના બજારમાં રૈશી હાઉસમાં રહેતા મહેન્દ્રકૌર ગુરૂદીપસિંહ રૈશી (ઉ.વ.84) તેમના પુત્ર હરભજનસીંગ અને તેમના પત્ની ગુરૂમીતકૌર સાથે રહે છે. પરંતુ હરભજન અને તેમના પત્ની ગુરૂમીત સપ્તાહ પહેલા જ લંડન ગયાં હતાં. આથી, મહેન્દ્રકૌર અઠવાડીયાથી એકલા જ હતાં. દરમિયાનમાં 29મીની રાત્રે તેઓ જમી પરવારી બારી બારણાં બંધ કરી સુઇ ગયાં હતાં. મોડી રાત્રે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં પલંગમાં ખખડાટ થતાં તેઓ જાગી ગયાં હતાં. તે વખતે તેમના માથા પાસે એક માણસ બેઠેલો હતો. જેથી બુમ પાડતાં આ શખ્સે મોઢામાં ડુચો મારી દીધો હતો. બાદમાં બન્ને હાથ દુપટ્ટાથી પાછળ બાંધી દીધા હતા અને હાથથી મારવા લાગ્યાં હતાં. આ શખ્સે મોઢા પર કપડું બાંધ્યું હતું. બાદમાં આ શખ્સે ‘કાંઇ બોલીશ નહીં, નહીં તો તને મારી નાંખીશ.’ તેવી ધમકી આપી ચપ્પુ જમણા હાથના કોણી અને કાંડા વચ્ચે મારી દીધા હતાં. આ ઉપરાંત બરડામાં તથા મોંઢા પર મુક્કા માર્યાં હતાં અને હાથમાં પહેરેલું સોનાનું કડુ આશરે ત્રણેક તોલાનું કિંમત રૂ.દોઢ લાખ તથા તિજોરી ખોલી રોકડા રૂ. 50 હજાર મળી કુલ રૂ.2 લાખની લૂંટ કરી હતી. જોકે, હાથમાં રહેલી અંગુઠી કાઢવા કોશીષ કરી હતી. પરંતુ તે નિકળી નહતી. આ લૂંટારૂ બીજા રૂમમાં જતાં મહેન્દ્રકૌરે જેમતેમ દુપટ્ટો છોડાવી મકાનનો દરવાજો ખોલી બુમાબુમ કરતાં સર્વન્ટ રૂમમાંથી સુનિતાબહેન માછી ધસી આવ્યાં હતાં. આ ઉપરાંત આસપાસના માણસો પણ આવી ગયાં હતા.  આમ, આશરે 30થી 35 વર્ષના લાંબા ઉંચા માણસે રાતના ઘરમાં ઘુસી મોઢામાં ડુચો મારી રૂ.બે લાખની લૂંટ ચલાવી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Most Popular

To Top