Charotar

વિદ્યાનગરમાં બહેરા મુંગાનો ડોળ કરી મોબાઇલ ચોરતી ગેંગનો સભ્ય પકડાયો

નડિયાદની જવાહરનગર ઝુપડપટ્ટી ગેંગના સભ્ય પાસેથી 10 મોબાઇલ કબજે કરાયાં

વિદ્યાનગરમાં ખુલ્લા ફ્લેટમાં ઉપરા છાપરી મોબાઇલ ચોરી કરતી ગેંગના સભ્યને પોલીસે પકડી પાડી છે. આ ગેંગ નડિયાદ જવાહરનગર ઝુપડપટ્ટીમાં રહે છે અને વ્હેલી સવારે બહેરાં મુંગાનો ડોળ કરી ભીખ માંગવાનું નાટક કરી ખુલ્લા મકાન, ફ્લેટમાં ઘુસી ચોરી કરતા હોવાનું ખુલ્યું છે.

વિદ્યાનગરમાં બે દિવસ અગાઉ રાધા મોહન એપાર્ટમેન્ટમાં રહેતા વિદ્યાર્થીઓના રૂમાંથી છ મોબાઇલ કિંમત રૂ.1.96 લાખની ચોરી થઇ હતી. તેવી જ રીતે નાના બજારમાં શેઠ રેસીડેન્સી રૂમમાંથી વિદ્યાર્થીઓના 4 મોબાઇલ કિંમત રૂ.1.25 લાખની ચોરીના બનાવ બન્યાં હતાં. આ બનાવ અંગે પોલીસે નેત્રમ શાખાના તથા બીજા અન્ય લાગેલા અલગ અલગ કેમેરાની તપાસ કરી સીસીટીવી ફુટેજ મેળવ્યાં હતાં. આ દરમિયાન માહિતી આધારે વિદ્યાનગર જોળ બસ સ્ટેન્ડ ખાતેથી શંકસ્પદ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સ પાસેથી 10 મોબાઇલ કિંમત રૂ.3.21 લાખ રિકવર કરવામાં આવ્યાં હતાં. જેની પુછપરછ કરતાં કનૈયાલાલ ચેલારામ નટમારવાડી (રહે.જવાહરનગર ઝુપડપટ્ટી, નડિયાદ) હોવાનું જણાવ્યુ હતું. આગવી ઢબે પુછપરછ કરતાં કનૈયાલાલ ઉપરાંત તેની ગેંગમાં સેવક અશોક નટમારવાડી, માંગીયા અમરસિંગ નટમારવાડી અને વિજય મેમર નટમારવાડી છે. આ શખ્સો વ્હેલી સવારના 5 વાગે ઘરેથી નીકળી રેલવેમાં બેસી મોટા શહેરમાં સ્ટુડન્ટ રહેતા હોય તેવા વિસ્તારમાં જઇ ફ્લેટોને વહેલી સવારના ટાર્ગેટ કરી સાથે બહેરા મુંગાના કાગળીયા રાખી ભીખ માંગતા હોય તેવી હાલતમાં આવી અને વિદ્યાર્થીઓના ખુલ્લા રહેલા ફ્લેટમાં જઇ સુતા હોય તેવા સમયે અંદરથી મોબાઇલ તથા પાકીટ ચોરી કરે છે. આ કબુલાત આધારે પોલીસે બાકીના શખ્સેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.

Most Popular

To Top