Charotar

વિદ્યાનગરમાં એમડી ડ્રગ્સ સાથે બે શખ્સ પકડાયાં

વિદ્યાનગર પોલીસે 63.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સઘન તપાસ હાથ ધરી

પ્રતિનિધિ) આણંદ તા.5
શિક્ષણનગર વલ્લભ વિદ્યાનગરમાં એમફેટામાઇન, એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ, મેફેડ્રોન ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ તથા લાયસર્જિક એસિડ ડાયેથિલામાઇડ ડ્રગ્સની ડીલીવરી કરવા આવેલા બે શખ્સને વિદ્યાનગર પોલીસે કરમસદ નજીકથી પકડી પાડ્યાં હતાં. આ અંગે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.
વિદ્યાનગરમાં છેલ્લા કેટલાક સમયથી યુવા વર્ગમાં ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું સેવન કરવામાં આવતું હોવાનું જાણવા મળતાં જિલ્લા પોલીસ વડા જી. જી. જસાણીની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર. ગોહિલ દ્વારા ડ્રગ્સ કે અન્ય પદાર્થોનો વેપાર કે સેવન કરતા ઇસમો વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, પરવેઝ હકીમ સૈયદ (રહે.અલહયાત કોમ્પ્લેક્સ, આણંદ) અને મોસીન સિરાજ પઠાણ (રહે. વલાસણ, આણંદ) ચોરીછુપીથી એમડી ડ્રગ્સની ડીલીવરી કરે છે. આ શખ્સો કરમસદ ભુતીયાવડ થઇ વલાસણ તરફ કાળા કલરનું બર્ગમેન નં.જીજે 23 ડીવાય 8237 લઇ એમડી ડ્રગ્સ લઇને નિકશે. આ બાતમી આધારે વિદ્યાનગર પોલીસની ટીમે કરમસદના ભુતીયાવડ થઇ વલાસણ જવાના રોડ પર દાદાજીની વાડી આગળ પોલીસ સ્ટાફના માણસો, પંચો સાથે વોચ ગુરૂવારના રોજ ગોઠવી હતી. આ વોચ દરમિયાન મોપેડ પર આવતા બે શંકાસ્પદને રોકી પુછતા તે પરવેઝ સૈયદ અને મોસીન પઠાણ હોવાનું જણાવ્યું હતું.
આથી, આ બન્નેની અટક કરી ઝડતી લીધી હતી. જેમાં પેન્ટના ખીસ્સામાંથી અલગ અલગ પ્લાસ્ટીકની ઝીપ લોક પાઉચમાં શંકાસ્પદ નશીલો પદાર્થ હોવાનું જણાયું હતું. આ અંગે પ્રાથમિક તપાસમાં એમફેટામાઇન, એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ, મેફેડ્રોન ડ્રગ્સ 5.36 ગ્રામ કિંમત રૂ.53,600 મળી આવ્યું હતું. આ ઉપરાંત લાયસર્જિક એસિડ ડાયેથિલામાઇડ ડ્રગ્સ 250 મીલીગ્રામ કિંમત રૂ.62.50 લાખ મળી આવ્યું હતું. આથી, સ્થળ પર જ બન્નેની અટક કરી વધુ પુછપરછ માટે પોલીસ મથકે લાવ્યાં હતાં. જ્યાં આ પરવેઝ અને મોસીન સામે ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top