ઉદ્યોગપતિ સાથે લગ્નનું બોગસ સર્ટી બનાવી શેર સહિતની જમીન પોતાના નામે કરાવી
ઉદ્યોગપતિના પુત્રએ કોર્ટમાં કરેલી ફરિયાદ આધારે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
(પ્રતિનિધિ) આણંદ તા.9
વિદ્યાનગરમાં 12 વર્ષ પહેલા અવસાન પામેલા ઉદ્યોગપતિ સાથે લગ્નનું બોગસ સર્ટીફિકેટ રજુ કરી તેની કરોડોની સંપતિ ઓળવી જવાના મામલામાં આખરે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઉદ્યોગપતિના પુત્રએ આ અંગે નવ શખ્સ સામે ફરિયાદ આપી હતી.
કરમસદમાં રહેતા ભાવિન શશીકાંત પટેલના પિતા શશીકાંત પરસોત્તમદાસ પટેલ વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં ફેક્ટરી ધરાવતાં હતાં. તેમની સાથે તેમના પીએ હર્ષિકાબહેન શાંતિલાલ પટેલ ફરજ બજાવતાં હતાં. શશીકાંત પટેલ અને હર્ષિકાબહેન વચ્ચે ગાઢ સંબંધ બંધાતા તેઓ અગાસ ગામના સહીયાદ્રી ફાર્મમાં એકલા રહેવા જતાં રહ્યાં હતાં. દરમિયાનમાં 17મી એપ્રિલ, 2012ના રોજ અચાનક શશીકાંત પટેલને બ્રેઇન હેમરેજ થવાથી તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ સમયે તેમના નામે અનેક મિલકત હતી. જેના પર હર્ષિકાબહેનની નજર પડી હતી તેઓએ બોગસ અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવાનું શરૂ કર્યું હતું. પ્રથમ તો શશીકાંત સાથે કાયદેસરનું લગ્ન કરેલું ન હોવા છતાં સહયાદ્રી ફાર્મમાં લગ્ન કર્યા છે, તેવા ફોટા ઉભા કરી જે તે સમયના તલાટી કમ મંત્રી કિરીટ વાઘેલા પાસે લગ્નનું સર્ટીફિકેટ મેળવ્યું હતું. આ સર્ટીફિકેટ 30મી એપ્રિલ,2012ના રોજ ઇશ્યુ થયું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ લગ્નના મેમોરેન્ડમ ફોર્મમાં શશીકાંતભાઈની ક્યાંક સહી ન હતી. આમ છતાં રજીસ્ટર કરવામાં આવ્યું હતું. જે પાછળથી બાગસ સાબિત થયું હતું. આ ઉપરાંત ગામના જ ચારેક શખ્સે શશીકાંતભાઈના કુટુંબની જાણકારી ન હોવા છતાં તલાટી સમક્ષ બોગસ પેઢીનામું તૈયાર કરાવ્યું હતું. જેમાં શશીકાંતભાઈના પરિવારમાં કોઇ ન હોવાનું જણાવ્યું હતું. આમ, 1લી મે, 2012ના બોગસ પેઢીનામું, લગ્ન રજીસ્ટ્રેશન આધારે હર્ષિકાબહેને મિલકત પોતાના નામે ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું. આ અંગે શશીકાંતભાઈના પુત્ર ભાવિનભાઈને જાણ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં શશીકાંતભાઈએ 5મી એપ્રિલ, 2012ના રોજ વીલ કરી આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ કોર્ટમાં અસલ વીલ રજુ કરી શક્યાં નહતાં. જ્યારે રજુ કરેલી ઝેરોક્ષમાં પણ શશીકાંતભાઈની સહી નહતી. જે સાદા કાગળ પર લખેલું હતું અને રજીસ્ટ્રેશન પણ થયું નહતું. આમ, શશીકાંતભાઈના અવસાન બાદ તેમનું વિલ કર્યું હતું.
આમ, બોગસ વિલ, બોગસ પેઢીનામું તથા બોગસ લગ્નની નોંધણીનું એફિડેવીટ રજુ કરી કિંમતી શેરો ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે ભાવીનભાઈની ફરિયાદ આધારે હર્ષિકાબહેન શાંતિલાલ પટેલ, જયેશ ચંદ્રવદન શાહ, રાજેન્દ્ર જયદેવલાલ બારોટ, અમીત પટેલ, વિરેન્દ્ર આર. પરમાર, કિશન ઓમશી પરમાર, મહીપતસિંહ પરમાર, પવનસિંહ પરમાર અને નંદકિશોર ઇશ્વરલાલ તેલી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.