આણંદમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી
ભાઇએ જ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બારોબાર જમીન વેચી દીધી
(પ્રતિનિધિ) આણંદ તા.3
આણંદના દસ્તાવેજ નોંધણી વિભાગમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેનો વધુ એક પુરાવો બહાર આવ્યો છે. વિદેશ રહેતી બહેનના નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેના ભાગની ગામડી ગામમાં રહેલી જમીન બારોબાર ભાઇઓએ જ વેચી દીધી હતી. આ અંગે ભાંડો ફુટતા આણંદ શહેર પોલીસ મથકે બે શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગામડી ગામના ગૌરાંગ સોસાયટીમાં રહેતા અને હાલ લંડન સ્થાયી થયેલાં સપનાબહેન નિલેશભાઈ પટેલના પિતા મોહનભાઈ મથુરભાઈ પટેલની કેટલીક જમીન આણંદના ગામડી ગામમાં આવેલી હતી. મોહનભાઈનું 21મી નવેમ્બર, 1992ના રોજ અવસાન થયું હતું. જ્યારે સપનાબહેનના માતાનું 1લી મે, 2008ના રોજ અવસાન થયું હતું. આથી, ગામડી ગામમાં આવેલી વડીલો પાર્જીત જમીનમાં નામ ચઢાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ સપનાબહેનના કુટુંબી ભાઇ હિતેશ અંબાલાલ પટેલ (રહે. ભગવતી સોસાયટી, ગામડી)એ વાંધા અરજી આપી હતી. આથી, નામ કમી થઇ ગયાં હતાં.
આથી, નાના બહેન તરુલાબહેનને જાણ કરતાં તેમણે જમીનના કાગળોની નકલ મેળવી હતી. જેમાં જમીનનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવી પ્રકાશ મોહનભાઈ પટેલ, નિકુલ છોટાભાઈ પટેલએ ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરાવી ખોટી સહીઓ કરી જમીનનો વેચાણ દસ્તાવેજ પણ કરી નાંખ્યો હતો. આ જમીન અરવિંદ ભીખા પટેલ (રહે. કુંજરાવ)ને વેચાણ આપી દીધી હતી. આમ, પ્રતિભાબહેન, તરૂલત્તાબહેન કે સપનાબહેને કોઇએ પાવર ઓફ એટર્ની કરી આપેલી ન હોવા છતાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ અંગે તપાસ કરતાં વર્ષ 2000માં નિકુલ છોટાભાઈ પટેલ (રહે. રતનપુરા, આણંદ) અને પ્રકાશ મોહનભાઇ પટેલ (રહે. ગૌરાંગ સોસાયટી, ગામડી, હાલ વડોદરા)એ બહેનોના નામનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવી જમીન અરવિંદ પટેલને વેચાણ કરી દીધી હતી. આ અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રકાશ મોહન પટેલ અને નિકુલ છોટા પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.