આણંદના ભેજાબાજોના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ | કામ કરતા યુવકની ગફલતમાં દોઢ લાખ ડોલરનો ગોટાળો થતાં સમગ્ર મામલે પડદો ઉંચકાયો
આણંદના 2 યુવકને 9 શખ્સો ઉઠાવી ગયાં બાદ માર માર્યો
(પ્રતિનિધિ) આણંદ તા.9
આણંદના બાકરોલ ગામના યુવકને અમેરિકામાં કેશ ડોલર પીકઅપના કામ પર રાખ્યા બાદ ગફલત થઇ હતી. જેમાં દોઢ લાખ ડોલર સગેવગે થતાં 9 શખ્સે તેનું અપહરણ કરી લઇ જઇ માર માર્યો હતો. આ અંગે યુવકે ફરિયાદ આપતાં આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ બહાર આવ્યું છે. વિદેશના બે નંબરના નાણા ગુજરાત ભેગા કરવાનું કૌભાંડ ચાલી રહ્યાની ગંધ આવી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે 9 શખ્સ સામે ગુનો નોંધી તપાસ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે.
આણંદના બાકરોલ ગામમાં રહેતો ક્રિષ્નાપાલ દિનેશકુમાર રાજપુરોહિત (ઉ.વ.22) ખાનગી ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરે છે. ક્રિષ્નાપાલના મિત્ર પાર્થ પરમાર (રહે. બોરસદ) થકી તે જયમીન ઉર્ફે પપ્પુ રબારી (રહે. પામોલ)ના પરિચયમાં આવ્યો હતો. આ પરિચય દરમિયાન બારેક દિવસ પહેલા જયમીન ઉર્ફે પપ્પુએ ફોન કરી ક્રિષ્નાપાલને ઓફિસ પર બોલાવ્યો હતો. આથી, ક્રિષ્નાપાલ બોરસદ ગયો હતો. જ્યાં ચર્ચા દરમિયાન જયમીન ઉર્ફે પપ્પુએ નોકરી અંગે પુછપરછ કરી હતી. આથી, ક્રિષ્નાપાલે હા પાડી હતી. આ નોકરીમાં પપ્પુ રબારીની અમેરિકા ખાતે ચાલી રહેલા વેપારનું દરરોજ અપડેટ આપવાની વાત કરી હતી. જેમાં સોશ્યલ મિડિયા પર ચેટીંગ કરી મેસેજ મોકલી અપડેટ કરવા જણાવ્યું હતું. જયમીન ઉર્ફે પપ્પુએ કામ અંગે સમજાવતા કહ્યું હતું કે, મોબાઇલ પર મેસેજ આવશે, તે મેસેજ અમેરિકા ખાતે રહેતા માણસને મોકલી આપવાનો અને કેશ ડોલર તે માણસ અમેરિકામાં જ પીકઅપ ડ્રોપ કરી દેશે. તારે ફક્ત મેસેજથી કામ કરવાનું રહેશે અને અપડેટ આપવાનું રહેશે. જોકે, આ કામ માટે ક્રિષ્નાપાલનો કોઇ વિશ્વાસુ માણસ અમેરિકામાં હોવા અંગે પુછ્યું હતું. આ માણસ પપ્પુ રબારી જણાવે તે જગ્યાએથી કેશ ડોલર પીકઅપ કરી બતાવેલી જગ્યાએ કેશ ડોલર ડ્રોપ કરી શકે. આ કામ માટે અમેરિકા રહેતા વ્યક્તિને કેશ ડોલર પીકઅપ અને ડ્રોપ કરશે તેના પાંચ ટકા કમીશન અને દરરોજની કેશ ડોલર પીકઅપ અને ડ્રોપ થશે તેના એક ટકા રકમ ક્રિષ્નાપાલને વળતર પેટે આપવાનું નક્કી કર્યું હતું. આ શરત ક્રિષ્નપાલે કબુલી હતી. બાદમાં સમીર પટેલ (રહે. વલાસણ) પાસે ગયો હતો અને કેશ ડોલર પીકઅપ અને ડ્રોપ કરવાના કામ અંગે જણાવતાં સમીરે મોગરી ગામના જોર્ડન નામના અમેરિકા રહેતા મિત્ર સાથે પરિચય કરાવ્યો હતો.
ક્રિષ્નપાલ અને જોર્ડનની વાતચીત થઇ હતી. જેમાં તેણે અમેરિકાનો નંબર આપી બિઝનેસ ઓટીપી આપી ચાલુ કરી આપ્યો હતો. બાદમાં આ અમેરિકન નંબર પર જોર્ડનનો તેમજ સમીર પટેલ (રહે. વલાસણ)નો હાઇ લખી મેસેજ આવતા સમીરનો પણ બિઝનેસ નંબર આવ્યો હતો. આ અંગે જયમીન ઉર્ફે પપ્પુને જાણ કરતાં તેઓએ વોટ્સ અપ અમેરિકન નંબર આપી વાત કરી હતી. પપ્પુ રબારીનો માણસ ફોન કે મેસેજ કરે તે પ્રમાણે રીપ્લાય આપી કેશ ડોલર પીકઅપ અને ડ્રોપ કરાવી દરરોજ સવારમાં અપડેટ આપી દેવા જણાવ્યું હતું. આ ઉપરાંત દર સોમવારે હિસાબ આપી વળતર લઇ જવા સુચના આપી હતી. આ બાદ ક્રિષ્નાપાલની અમેરિકા રહેતા લીયો સાથે સંપર્ક કરાવ્યો હતો અને કામ શરૂ થયું હતું. એક કે બે દિવસ બાદ ક્રિષ્નાપાલના મોબાઇલમાં રહેલા અમેરિકન નંબર પર લીયોએ ડ્રોપ માટેનું જીપ કોડ અને 50 હજાર કેશ ડોલરની રકમ લખી મેસેજ મોકલ્યો હતો. સાથોસાથ જણાવ્યું હતું કે, તારા પર જે છોકરાનો મેસેજ આવે તેને જીપ કોડ અને કેશ ડોલર માટેનો મેસેજ મોકલી આપજે. થોડા સમય બાદ મેસેજ આવતા કેશ ડોલર ડ્રોપ કરવાનું પુછતાં લીયોએ આપેલા ડ્રોપ માટેનું જીપ કોડ અને કેશ ડોલર રકમ અમેરિકાના યુવકને જણાવી દીધું હતું. જોકે, તે યુવકે ડ્રોપ માટેનું લોકેશન દુર છે. જેથી કોઇ નજીકનું લોકેશન આપવા જણાવ્યું હતું. આ અંગે લીયોને પુછતાં તેણે કોઇ નજીકનું લોકેશન નથી. હાલ આ જ લોકેશન પર ડોલર ડ્રોપ કરવા સુચના આપી હતી. આ અંગે અમેરિકાના યુવકને જણાવતાં તેણે ના પાડી દીધી હતી. આથી, લીયોની સુચનાથી બીજો છોકરાને ત્યાં ડોલર ડ્રોપ કરાવી તેના મારફતે પીકઅપ કરાવી આપીએ. જેથી અમેરિકાના યુવકને જોર્ડનનું લોકેશન આપ્યું હતું. જ્યાં જોર્ડને ડોલર પીકઅપ કરી ભારતમાં હવાલો કરાવી આપવાની વાત કરતાં છોકરાએ જોર્ડન પાસે કેશ ડોલર ડ્રોપ કરી મેસેજ કરતા લીયોને જાણ કરી હતી.
જોર્ડને પીકઅપ કરેલા 50 હજાર ડોલર જે ભારતમાં હવાલાથી લાવવાના હતાં. આથી, જોર્ડને ફોન કરી ક્રિષ્નપાલ પાસે આઈડી કાર્ડમાં જે નામ હોય તે નામ, ભારતીય મોબાઇલ નંબર અને કોઇ પણ એક ભારતીય નોટનો નંબર (ટોકન) આપવા જણાવ્યું હતું. આથી, ક્રિષ્નપાલે તુરંત નામ, નંબર અને રૂ.20ની નોટનો ફોટો મોકલી આપ્યો હતો. બાદમાં જોર્ડને એકાદ દિવસમાં આંગડિયામાંથી ફોન આવશે, ત્યાં જઇને કેશ રિસીવ કરી લેવા જણાવ્યું હતું. આ અંગે લીયોને પણ જાણ કરી હતી. જોકે, લીયોએ પણ કેશ મેળવી તે જણાવે તે આંગડિયા પર આપી દેવા જણાવ્યું હતું. ક્રિષ્નાપાલને અમદાવાદ ચાંદખેડા સુયોગ કોમ્પ્લેક્સ દુકાન નં.131 ખાતેથી શ્રીજી આંગડિયાથી કેશ મેળવી લેવા જોર્ડને જણાવ્યું હતું. બીજા દિવસે ક્રિષ્નાપાલ શ્રીજી આંગડિયાની જગ્યાએ પહોંચ્યાં હતાં. પરંતુ પી.એમ. આંગડિયા હતું. આથી, ગુંચવણો ઊભો થયો હતો. આ બાબતે જોર્ડનને પુછતાં તેણે તપાસ કરી જણાવવા કહ્યું હતું. બાદમાં સમીર પટેલ (રહે. વલાસણ)એ ફોન કરી ચિંતા ન કરવા જણાવ્યું હતું અને રોકડ મળી જશે તેની ખાતરી આપી હતી. આ બાબતે લીયોને પણ જાણ કરી હતી. પરંતુ આ મામલો ક્લીયર ન થતાં અચાનક મિહિર દેસાઇ નામના શખ્સનો ફોન ક્રિષ્નાપાલ પર આવ્યો હતો. તેણે પણ આંગડિયાની કેશ રકમનું શું થયું ? તેમ જણાવ્યું હતું. બાદમાં તેઓએ જોર્ડનને કોન્ફરન્સમાં લેતા મિહિર દેસાઇએ તેની સાથે વાતચીત શરૂ કરી હતી. પરંતુ અચાનક જયમીન ઉર્ફે પપ્પુએ ફોન કરતાં ક્રિષ્નપાલે તેનો કોલ રીસીવ કર્યો હતો. આ સમયે જયમીને જણાવ્યું હતું કે, મિહિર દેસાઇ સાથે વાત થયેલી છે. તે તેમની રીતે જોઇ લેશે.
આણંદમાં જયમીન, મહિર સહિત 9 શખ્સે ક્રિષ્નપાલને ઉઠાવી માર માર્યો
અમેરિકાથી જોર્ડનનું કોઇ આંગડીયું આવ્યું નહતું. બીજી તરફ જયમીન ઉર્ફે પપ્પુ રબારીએ ક્રિષ્નપાલને 4થી ઓગષ્ટ, 2024ના રોજ ફોન કરી ચિંતા મુકી આણંદ આવ્યેથી મળવાની વાત કરી હતી. દરમિયાન રાત્રિના પોણા બારેક વાગે જયમીને ફોન કરીને ક્રિષ્નપાલને એલીનકોન ચોકડી પર બોલાવ્યો હતો. જ્યાંથી તેને કારમાં કરમસદ તરફ લઇ ગયાં હતાં. રસ્તામાં જયમીન ઉર્ફે પપ્પુએ અચાનક ક્રિષ્નપાલનો મોબાઇલ લઇ લીધો હતો અને અપશબ્દ બોલી તું મારા પૈસાનું બલુન ઉડાડવા ગયેલો. આજે તને છોડવાનો નથી. તેમ કહી મારમારવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત તને ખબર નથી આ પૈસા શેના છે ? આગળથી મારા બીજા માણસો આવશે તો તને અને તારા ઘરવાળાને આજે તો ઉંચકી જશે અને મારમારશે. તમારૂ ઘર અને તારા પિતાજીની ઓફિસ, રાજસ્થાનની જમીનો પણ વેચાવડાવી દેશે. તેમ કહી ધાક ધમકી આપવા લાગ્યો હતો. જોકે, ક્રિષ્નપાલે બચાવ કરતાં જણાવ્યું હતું કે, ક્યા પૈસાની વાત કરો છો ? તમે જે વેપારના પૈસા પીકઅપ ડ્રોપ કરાવેલા છે. તે તમારા માણસને પુછી લો મેસેજ પ્રમાણે મોકલી આપ્યાં છે. મેં કંઇ કર્યું નથી. આથી, મિહીર દેસાઇ આવે, તે આવે એટલે ખબર પડશે. તેમ કહેતાં બાંધણી ચોકડી પર પહોંચ્યાં હતાં. જ્યાં કાળા કલરની મર્સિડીઝમાં બેઠેલા મિહિર દેસાઇ પાસે ક્રિષ્નપાલને લઇ ગયાં હતાં. જયમીન ઉર્ફે પપ્પુએ જણાવ્યું હતું કે, આ જ પાલ છે, જે આપણા પૈસાનું બલુન ઉડાડેલું છે. તે પૈસા ન આપે ત્યાં સુધી મારો અને પુરો કરી નાંખો. તેમ કહી ક્રિષ્નપાલને મર્સિડીઝમાં બેસાડી દીધો હતો. બાદમાં કરમસદ તરફ હંકારી હતી. આ સમયે રસ્તામાં મિહિરે તેના મોબાઇલમાં બધા કેશ ડોલર જોર્ડને પીકઅપ કરેલા હોય. પરંતુ ડ્રોપ નહીં થયેલા હોવા બાબતે જણાવ્યું હતું. આ અંગે જયમીન ઉર્ફે પપ્પુએ જણાવ્યું હતું કે, મિહિર બધુ જાતે જોઇ લેશે. જેથી મેં આ બાબતે ધ્યાન આપ્યું નથી. તેમ કહેતા મિહિરે તેની પાસે જોર્ડનની પુછપરછ કરતાં તે સમીરનો માણસ હોવાનું કહ્યું હતું. આથી, મિહિરે તેને ફોન કરી કરમસદ બળિયા દેવ ચોકડી પાસે બોલાવ્યો હતો. જ્યાં સમીર કાર લઇ આવતાં મિહિરે કહ્યું હતું કે, આ સમીર તો ચીટર છે. થોડીક જ વારમાં એક 9 નંબરની બ્લેક કલરની ફોરચ્યુનર ગાડી લઇને બે માણસો આવતા તમામ ગાડીઓ લઇને કરમસદ ગામના તળાવ આગળ વડ નજીક પહોંચ્યાં હતાં. જ્યાં ક્રિષ્નપાલને નીચે ઉતારી જયમીન ઉર્ફે પપ્પુ રબારીએ અપશબ્દ બોલી પટ્ટાથી મારમાર્યો હતો. આ ઉપરાંત ફોરચ્યુનર ગાડીમાં આવેલા રીયાઝ અમદાવાદીને જણાવ્યું કે, રિયાઝ આ લોકોએ પૈસાનું કરી નાંખ્યું છે. આજે તેને જવા દેવાનો નથી. તેમ કહેતા રિયાઝ અમદાવાદી તેમજ મર્સીડીઝ ચલાવી આવેલા ધવલ ભુવાજી પણ અપશબ્દ બોલી ગડદાપાટુનો મારમરવા લાગ્યો હતો. સાથે અમારા પૈસા કોણ આપશે ? તેમ પુછતાં સમીર આ જોર્ડનને સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. જેથી જયમીન ઉર્ફે પપ્પુ રબારી, રીયાઝ અમદાવાદી તેમજ મિહિર દેસાઇ ત્રણેય જણ સમીરને અપશબ્દ બોલી કહેવા લાગ્યાં હતાં કે, આ જોર્ડન તારો છોકરો છે. જેથી પૈસાની જવાબદારી તારી છે અને પૈસા તારે જ આપવા પડશે. તેમ કહી ધમકી આપતાં સમીરે ફક્ત અગાઉના 50 હજાર ડોલર આપવાની જવાબદારી લીધી હતી. આથી, જયમીન ઉર્ફે પપ્પુએ સમીરને કહ્યું હતું કે, એક કાકાને જોર્ડન પાસે મોકલું છું. તું જોર્ડનને વાત કરી દે કે કાકાને પૈસા આપી દે. તેમ કહેતા સમીરને તુરંત જોર્ડન સાથે વાત કરી નાણા આપી દેવાનું જણાવ્યું હતું.