
વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે બે વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ દિલીપ રાણાની બદલી ગાંધીનગરના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં કરવામાં આવી છે. ગતરોજ તેમણે કમિશનર તરીકે પોતાની અંતિમ પ્રેસવાર્તા પાલિકાની વડી કચેરી ખાતે સંબોધી હતી. જે બાદ આજે સવારે ભાજપના વોર્ડ નં.15ના કોર્પોરેટર આશિષ જોષીએ કટાક્ષભરેલી સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ફરી વિવાદ જગાવ્યો છે. આશિષ જોષીએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, “શહેરના કોન્ટ્રાક્ટરો અને બાહોશ અધિકારીઓએ કમિશનરશ્રીનો વિદાય સમારંભ હનુમાન જયંતિના દિવસે અઘોરા મોલ માટે તોડી પડાયેલા હનુમાનજીના મંદિરવાળી જગ્યાએ રાખવાનો વિચાર કરવો હતો અથવા હરણી લેઝોન પર કે પછી મહાનગર નાળે.”
આ લખાણના માધ્યમથી આશિષ જોષીએ એક તરફ તો તોડફોડ મુદ્દે કમિશનર પર નિશાન સાધ્યું છે તો બીજી તરફ ભૂતકાળના વિવાદોને પણ ખૂંદ્યા છે. બંને વચ્ચેના સંબંધો પહેલાથી તણાવભર્યા રહ્યા છે. મહાનગર નાળું સાફ કરવા મુદ્દે અગાઉ પાલિકા સભામાં બંને વચ્ચે ગરમાગરમી થઇ હતી. ત્યાર બાદથી જ બંને વચ્ચે ઉગ્ર વાદવિવાદ અને બોલાચાલી થઇ હતી, જે હજુ યથાવત હોવાનું આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે. દિલીપ રાણાની બદલી બાદ મહેશ બાબુને વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
