Vadodara

વિજયનગર સોસાયટીના રહીશો ધરણા પર, કચરામાં બેસી અનોખો વિરોધ

તરસાલીમા 400 મકાનોના લોકોએ ગંદકી અને દુર્ગંધ સામે સૂત્રોચ્ચાર કરી તંત્ર પાસે સફાઈની તાત્કાલિક માંગણી કરી

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીના 400 મકાનોના રહીશોએ આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિસ્તારની કચરાપેટી પાસે ભરાયેલા કચરામાં તેઓ બેસી ગયા અને સૂત્રોચ્ચાર કરતાં ધરણા યોજ્યા. આ વિરોધનો હેતુ વિસ્તારની સતત અવગણાતી સફાઈ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવાનો હતો.

તરસાલી વિસ્તારમાં વિજયનગર સોસાયટી વર્ષો જૂની છે, પરંતુ આજુબાજુના વિસ્તારોમાં ઝડપી વિકાસની તુલનામાં અહીં નિયમિત સફાઈ થતી નથી. સોસાયટીની બાજુમાં જ એક બગીચો આવેલો છે, પરંતુ કચરાપેટીમાંથી ફેલાતી દુર્ગંધ અને ગંદકીના કારણે અહીં આવતા સહેલાણીઓની સંખ્યા ઘટી રહી છે. મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સ્થાનિકોમાં વ્યાપી રહી છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે કચરાપેટીની યોગ્ય રીતે કાયમી ધોરણે સફાઈ થતી નથી. હદ તો એ છે કે આજુબાજુની સોસાયટીના લોકો પણ અહીં કચરો નાખી જતા હોવાથી પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી છે. અનેકવાર રજૂઆત છતાં પાલિકાએ મુશ્કેલી દૂર કરવા માટે કોઈ ગંભીર પગલાં લીધા નથી.
વિરોધ કરતા રહેવાસીઓએ જણાવ્યું હતું કે, વડોદરા જ્યારે સ્માર્ટ સિટી તરીકે પ્રગતિ કરવાની વાત કરે છે ત્યારે હકીકતમાં મોટા વિસ્તારોમાં સફાઈ જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ નથી. તરસાલી વિસ્તારમાં અનેક અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ રહેતા હોવા છતાં પણ વિજયનગર સોસાયટીની સમસ્યા ગંભીર બની રહી છે.
આજના વિરોધમાં રહીશોએ સોસાયટીના નાકે આવેલી કચરાપેટી પાસે કચરાના ઢગલામાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા અને ગંદકી દૂર કરવાની માંગણી કરી. લોકોએ ચેતવણી આપી કે જો વહેલી તકે સફાઈની કાયમી વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેઓ વધુ તીવ્ર આંદોલન કરવા મજબૂર થશે.
રહેવાસીઓએ તંત્રને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે વિસ્તારની કચરાપેટીની તાત્કાલિક સફાઈ સાથે સ્થાયી ઉપાય કરવામાં આવે, જેથી સ્વચ્છ પરિસરમાં રહી શકાય.

Most Popular

To Top