હાથમાં વાટકા લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા કાર્યકરો, ભવિષ્યની આર્થિક કટોકટીનો આપ્યો સંકેત
પ્રજાના પરસેવાની કમાણી વ્યાજ ભરવામાં જાય છે, તેના માટે જવાબદાર કોણ ? દેવું ઘટાડવા અને આર્થિક સ્થિતિ સુધારવા તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત



(પ્રતિનિધિ), વડોદરા. તા.17
વડોદરા :- એકબાજુ ગુજરાત સરકાર ‘વાઈબ્રન્ટ ગુજરાત’ અને ‘વિકાસના રોલ મોડલ’ હોવાના બણગાં ફૂંકી રહી છે, ત્યારે બીજી બાજુ રાજ્યની આર્થિક સ્થિતિ ખોખલી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે વડોદરાના સામાજિક કાર્યકરો મેદાનમાં આવ્યા છે. રાજ્ય પર સતત વધી રહેલા અબજો રૂપિયાના દેવા સામે આજે ભાવિકા ચાંડોલે અને તેમની ટીમે “હાથમાં વાટકા” લઈ પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ કલેક્ટર કચેરી મારફતે સરકારને આવેદન પાઠવી સવાલ કર્યો છે કે, આટલું મોટું દેવું કરીને કેવો વિકાસ થઈ રહ્યો છે ? સામાજિક કાર્યકરોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સત્તાવાર આંકડાઓ મુજબ ગુજરાત પરનું દેવું ₹3,50,000 કરોડના આંકડાને આંબી રહ્યું છે. જો ગુજરાત ખરેખર આર્થિક રીતે સધ્ધર હોય તો પછી દર વર્ષે હજારો કરોડના નવા દેવા કેમ લેવા પડે છે ? રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા આ દેવાનું વ્યાજ ચૂકવવામાં જ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા હોમાઈ રહ્યા છે. આ વ્યાજ રૂપી નાણાં આખરે કોની તિજોરી ભરે છે તે એક મોટો સવાલ છે. આવેદન પત્રમાં સામાજિક કાર્યકરોએ સરકારને અરીસો બતાવતા પ્રશ્નો પૂછ્યા છે કે, જો ગુજરાત શ્રેષ્ઠ મોડલ હોય તો દેવું સતત વધવા પાછળનું તાર્કિક કારણ શું ? આટલા લાખો કરોડના દેવા સામે સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ જનતાના જીવનધોરણમાં શું સુધારો આવ્યો ? શું આ દેવાનો બોજ આવનારી પેઢી અને યુવાનોના માથે નથી ઝીંકાઈ રહ્યો ? બિનજરૂરી ઈવેન્ટ્સ અને ઉત્સવો પાછળ થતા આંધળા ખર્ચ પર અંકુશ કેમ નથી ? શું સરકાર પાસે દેવું ઘટાડવા માટે કોઈ ‘ફાઈનાન્સિયલ રોડમેપ’ છે કે માત્ર નવી લોન લેવાની જ નીતિ છે ?
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હાથમાં વાટકા રાખીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે, જો દેવાની આ રફ્તાર ચાલુ રહેશે તો ભવિષ્યમાં શ્રીલંકા જેવી આર્થિક કટોકટી સર્જાઈ શકે છે. આજે સરકાર દેવું કરે છે, પણ કાલે જનતાએ દેવાના બોજ તળે દબાઈને ‘વાટકા’ લઈને ભીખ માંગવાનો વારો ન આવે તે માટે અત્યારથી જાગવું જરૂરી છે.
આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર ભાવિકા ચાંડોલે, રાજેશ માળી, મનીષ ગોસ્વામી, વિઠ્ઠલ આયરે અને સંગ્રામસિંહ કડુ સહિતના અનેક જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે જો સરકાર આ બાબતે ગંભીરતા નહીં દાખવે તો આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.