( પ્રતિનિધી )વડોદરા,તા.19
વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વાહનમાં આગ લાગવાની ઘટના બની હતી મકરપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ઇકો ગાડીમાંથી અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે ચાલક સત્વરે બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો.
વડોદરા શહેરમાં ગરમીનો માહોલ નથી, શિયાળાએ માઝા મૂકી છે, તેવામાં વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. ગતરોજ સયાજીગંજ વિસ્તારમાં બે કાર ભડકે બળી હતી. જેના બીજા દિવસે જ મકરપુરા વિસ્તારમાં પણ એક કારમા ભીષણ આગ લાગી હતી. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી વસંતવિહાર સોસાયટી પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં આગ લાગી હતી. ઈકો ગાડીમાં ધુમાડા નીકળતા અચાનક કાર ચાલક બહાર નીકળી આવ્યો હતો અને જોત જોતામાં એન્જિનના ભાગે આગ ભભૂકી ઉઠી હતી. જે સમગ્ર ગાડીમાં પ્રસરી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે ચાલક બહાર આવી જતા તેનો આબાદ બચાવ થયો હતો. એન્જીનના ભાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું.