Charotar

વાસદ પાસે સિમેન્ટના ટેન્કરમાં છુપાવેલો 9.94 લાખનો વિદેશી દારૂ પકડાયો

આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે સુંદણ ફાટક નજીકથી દારૂ ભરેલું ટેન્કર લઇ જતાં બે પકડાયાં

(પ્રતિનિધિ) આણંદ તા.26

આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે વાસદ – તારાપુર હાઈવે પર સુંદણ ફાટક નજીકથી પરપ્રાંતથી વિદેશી દારૂની હેરફેરી કરતાં સિમેન્ટના ટેન્કરને પકડી પાડ્યું હતું. આ ટેન્કરમાંથી પોલીસને રૂ.9.94 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે બે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચના આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ નાથુસિંહને બાતમી મળી હતી કે, જે. કે. લક્ષ્મી સિમેન્ટની ટેન્કર ટ્રક નં.જીજે 12 એઝેડ 6420માં વિદેશી દારૂ ભરી વાસદ ઓવર બ્રીજ સુંદણ ફાટકથી પસાર થશે. આ બાતમી આધારે એલસીબીની ટીમે 25મીના રોજ ફાટક પાસે વોચ ગોઠવી હતી. આ દરમયાન બપોરે ટેન્કર આવતા તેને સાઇડમાં ઉભી રખાવી હતી. આ સમયે કેબીનમાં ચાલક અને ક્લીનર હતાં. જેમની અટક કરી પુછપરછ કરતાં નારાયણરામ મુલારામ (રહે. રાજસ્થાન) અને ક્લિનર હનુમાનરામ ધુડારામ ખીલેરી (બિશ્નોઇ) (રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. એલસીબીની ટીમે નારાયણરામની પુછપરછ કરતા લુઝ સિમેન્ટ ભરેલું હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસે શંકા આધારે ટેન્કરના ઉપરના ભાગે આવેલા ઢાંકણા ખોલી જોતા વિદેશી દારૂના બોક્સ મળી આવ્યાં હતાં. આથી, કંડક્ટર અને ડ્રાઇવરની અટક કરી મુદ્દામાલની ગણતરી કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ કિંમત રૂ.9,94,500 મળી આવી હતી.

આ અંગે ચાલકની પુછપરછ કરતાં બુધારામ હરજીરામ જાણી (બિશ્નોઇ) (રહે. ભાટીબ, તા. રાણીવાડા, જિ. સાંચોર)એ દારૂ ભરી મોકલી આપ્યો હતો અને રાજકોટ પહોંચી બુધારામને ફોન કરીને તે જણાવે તે મુજબ આગળ જવાનું હતું. આ કબુલાત આધારે એલસીબીએ વાસદ પોલીસ મથકે નારાયણરામ મુલારામ ભીલ અને હનુમાનરામ ધુડારામ ખીલેરી બિશ્નોઇ સામે ગુનો નોંધી ટેન્કર કિંમત રૂ.40 લાખ અને વિદેશી દારૂ મળી કુલ રૂ.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Most Popular

To Top