આણંદમાં નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે જતી કારના ચાલકે ટ્રકની ઓવરટેક કરવા જતાં કાબુ ગુમાવ્યો
અમદાવાદના સાત મિત્રો મુંબઇ ફરવા નિકળ્યા અને મધરાતે અકસ્માત સર્જાયો
(પ્રતિનિધિ) આણંદ તા.3
આણંદમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે જતી કાર વાસદ પાસે પહોંચી તે સમયે કારની ઓવરટેક કરવા જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 ઘવાયાં હતાં. જેમાંથી બેના મોત નિપજ્યાં હતાં. આ અંગે વાસદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
અમદાવાદના જુહાપુરામાં રહેતાં આસીફ નાસીરખાન પઠાણ દુકાનમાં નોકરી કરે છે. આસીફખાનના મિત્રોમાં મુસ્તુફા ઉર્ફે શાહઝખાન પઠાણ (રહે.શાહપુર), જૈનુલ ઝહીરભાઇ દિવાન (રહે. જુહાપુરા), ફુઝેલખાન રસીદખાન પઠાણ (રહે.ફતેહવાડી), ચિરાગ પટેલ (રહે. ચાંદખેડા) તથા અમન શેખ (રહે. શાહપુર), તમીમખાન પઠાણ (રહે. પટવા શેરી, અમદાવાદ)એ ભેગા થઇ મુંબઇ ફરવા જવાનું નક્કી કર્યું હતું. આ કાર્યક્રમ મુજબ 2જી મેના રોજ રાત્રિના પોણા બારેક વાગ્યાના સુમારે મુસ્તુફા ઉર્ફે શાહબાઝ પઠાણના સંબંધની ગાડી નં.જીજે 1 એચએક્સ 5993 લઇને તમામ મિત્રો નિકળ્યાં હતાં. આ ગાડી મુસ્તુફા ઉર્ફે શાહબાઝ પઠાણ ચલાવતો હતો. ખેડા થઇ નડિયાદ, આણંદથી વાસદ તરફ જતાં પોણા ત્રણેક વાગ્યાના સુમારે અડાસ ગામનો ઓવરબ્રિજ પસાર કર્યો હતો. આ સમયે આગળ ટ્રક જતી હતી. જે ટ્રકની ખાલી સાઇડથી મુસ્તુફા ઉર્ફે શાહબાઝ પઠાણે ઓવરટેક કરવા જતાં ગાડીની સ્પીડ વધારે હોવાથી સ્ટેરીંગનો કાબુ ગુમાવી દીધો હતો અને રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે કારમાં સવાર તમામ મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી. આથી, 108માં તાત્કાલિક તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ ચિરાગકુમાર પટેલ અને અમન શેખને ગંભીર ઇજા પહોંચતાં મૃત્યું નિપજ્યું હતું. જ્યારે જૈનુલ, ફુઝેલખાનને સારવાર માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં ાવ્યાં હતાં. તમીમ પઠાણને વડોદરા ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વાસદ પોલીસે કાર ચાલક મુસ્તુફા ઉર્ફે સાબાઝખાન પઠાણ (રહે. શાહપુર, અમદાવાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.