Vadodara

વાસણા તળાવથી જકાતનાકા સુધીના 320 મીટર લાંબા ખુલ્લા કાંસ પર સ્લેબ ભરાશે

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 10ના વિસ્તારમાં વાસણા તળાવથી વાસણા જકાતનાકા સુધીના ભાગમાં આવેલ રહેણાંક વિસ્તારના જુના ખુલ્લા વાસણા–બાંકો કાંસ પર સ્લેબ ભરવાનું કામ મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. નાગરિકોના આરોગ્ય અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં આર.સી.સી. બીમ સાથે સ્લેબ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વરસાદી ગટરના એમ્પેનલ્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મે. રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. દ્વારા અંદાજે 320 રનિંગ મીટર લંબાઈના કામ માટે કુલ રૂ. 1.74 કરોડ (જી.એસ.ટી. સહીત)નો ગ્રોસ અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો. આ માટે ત્રીજા પ્રયત્ને ઑનલાઇન ભાવપત્રો મંગાવવામાં આવ્યા હતા, જેમાં બે ઈજારદારોના ટેન્ડર મળ્યા હતા. ટેન્ડર સ્ક્રુટિની કમિટીની તપાસ બાદ મે. એચ.બી. એન્જીનીયર્સ અને મે. શ્રી હરી કન્સ્ટ્રક્શન કું. બંને ક્વોલીફાય થયેલા હતા. મે. એચ.બી. એન્જીનીયર્સે નેટ અંદાજીત રકમ રૂ. 1.38/- કરોડથી 7.20% વધુના રૂ. 1.48/- કરોડનું ભાવપત્ર આપ્યું હતું, જ્યારે મે. શ્રી હરી કન્સ્ટ્રક્શન કું.એ 9.72% વધુના રૂ. 1.51 કરોડના ભાવ આપ્યા હતા.

ભાવઘટાડા માટે બોલાવ્યા બાદ મે. એચ.બી. એન્જીનીયર્સે તબક્કાવાર ઘટાડો કરીને અંતે નેટ અંદાજીત રકમથી 7% ઓછા મુજબ રૂ. 1.28/- કરોડના દરે કામ કરવા તૈયાર હોવાનું લખિતમાં દર્શાવ્યું. સલાહકાર મે. રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.ના અહેવાલ મુજબ આ ભાવ પ્રવર્તમાન બજાર દરની સરખામણીમાં 8.41% ઓછા છે અને સ્થળની સ્થિતિને અનુરૂપ યોગ્ય છે. આ અભિપ્રાય બાદ ટેન્ડર સ્ક્રુટિની કમિટીએ તારીખ 29 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી બેઠકમાં આ ભાવપત્રને મંજુરી માટે ભલામણ કરી હતી. આ કામનો ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના – વર્ષ 2024–25ની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. ઈજારદારને જી.એસ.ટી.ની રકમ અલગથી ચૂકવવામાં આવશે. હાલ આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજુરી માટે રજૂ કરવામાં આવી છે.

Most Popular

To Top