Vadodara

વાવ-બાકરોલના ઢાળમાં એસટી બસ પલટી ખાતા ચીસાચીસ, 40થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયાનો ડ્રાઈવરનો દાવો, રોષે ભરાયેલા લોકોએ એસટી તંત્રની બેદરકારી સામે ઉઠાવ્યા સવાલ

પ્રતિનિધિ), વડોદરા. તા.20

જામ્બાથી વડોદરા જઈ રહેલી એસટી બસ આજે સવારે વાવ-બાકરોલ પાસે આવેલા જોખમી ઠોળાવ (ઢાળ) માં પલટી ખાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બસમાં સવાર વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ સહિત અંદાજે 40થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કદવાલ અને વડોદરાની SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, એસટી બસ (નંબર: GJ 18 Z 8563) જામ્બાથી વડોદરા તરફ જઈ રહી હતી. બસમાં ક્ષમતા કરતા વધુ એટલે કે 50થી વધુ મુસાફરો સવાર હતા. વાવ-બાકરોલ પાસેના ઢાળ ઉતરતી વખતે ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતા બસ ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ મુસાફરોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી બસની બારીઓ તોડી મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્તો પૈકી 15 જેટલા લોકોને કદવાલ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જામ્બા ગામના પૂર્વ સરપંચ કંચનભાઈએ આક્ષેપ કર્યો હતો કે, આટલી મોટી દુર્ઘટના બની હોવા છતાં એસટી વિભાગના કોઈ પણ જવાબદાર અધિકારી હજુ સુધી સ્થળ પર કે ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલ આવ્યા નથી. બસ ચાલકે અકસ્માત પાછળ ‘બ્રેક ફેલ’ થઈ હોવાનું કારણ આપ્યું છે, પરંતુ મુસાફરો અને સ્થાનિકો આ વાત માનવા તૈયાર નથી. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, જો બ્રેક ફેલ હતી, તો ડ્રાઈવરે બસ ધીમી ગતિએ કેમ ન ચલાવી ? ડેપોમાંથી બસ નીકળતા પહેલા તેનું ફિટનેસ ચેકિંગ કરવામાં આવ્યું હતું કે કેમ ? ગ્રામ્ય વિસ્તારની બસોની હાલત જર્જરિત હોવા છતાં તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે ? હાલમાં પોલીસ અને એસટી વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top