વડોદરા: રવિવારની મોડીરાતે વાવાઝોડા અને વરસાદના ભારે તાંડવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે થયેલી તૈયારીઓનું ખેદાન મેદાન કાઢી નાખ્યું હતું. જોકે, મ્યુ. કમિશ્નર અને કલેકટરે જાતે વરસતા વરસાદમાં ફિલ્ડમાં ધસી જઈ યુદ્ધના ધોરણે કરાવેલી કામગીરીને કારણે સવારે વડોદરા ફરી વડાપ્રધાનને આવકારવા સજ્જ થઈ ગયું છે અને એરપોર્ટ રોડ પર ભારે ધમધમાટ ચાલી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પધારવાના છે ત્યારે સવારે સાડા છથી પોણા સાત દરમિયાન પોલીસની વિવિધ ટીમો એરપોર્ટ સર્કલથી ચેકીંગ કાર્યવાહીમા બંદોબસ્તમાં જોડાઇ હતી. પોલીસ ધાબા પોઇન્ટ સાથે ગોઠવાઇ ગઈ હતી.

રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદથી વડાપ્રધાનના અભિવાદન રૂટના મંડપને,લાઇટને નુકસાન થતાં તાત્કાલિક યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અગાઉ ગતરાત્રે પડેલા ગાજવીજ સાથેના વરસાદમાં એરપોર્ટ સર્કલ પાસે કરવામાં આવેલી રંગોળી અને સજાવટ પર માટી અને ગંદુ પાણી ફરી વળ્યા છતાં તાત્કાલિક રંગોળી તૈયાર કરી સફાઇ કરવામાં આવી હતી અને સર્કલને સુંદર સજાવવામાં આવ્યું
આ પહેલા ઓપરેશન સિંદૂર યાત્રા પહેલા ઓપરેશન મોન્સુનની યાત્રા મોડી રાતે આવી પહોંચી હતી. સિંદૂર યાત્રાના રૂટ પર તોફાની પવનથી હોર્ડિંગ્સ ધરાશાયી, તંબુ તૂટ્યા; કમિશ્નર-કલેક્ટર સહિત અધિકારીઓએ રાતોરાત કામગીરી શરૂ કરી, યાત્રા રોકાશે નહીંનો નિર્ધાર કર્યો હતો.

વડોદરામાં રવિવાર ની મધરાતે ભારે વરસાદ, વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાયા, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ, વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા અને સિંદૂર યાત્રાના રૂટ પર પણ ભારે અવ્યવસ્થા સર્જાઈ. માંજલપુર, મકરપુરા, આજવા સહિતના વિસ્તારોમાં વીજળી પડવાના અને તંબુ તૂટવાના સમાચાર મળ્યા, જેથી આયોજકો અને પ્રશાસન ચિંતામાં મુકાયા હતા.

મહાનગરપાલિકા કમિશ્નર અરુણ મહેશ બાબુ, કલેક્ટર અને અધિકારીઓએ એરપોર્ટ સહિત યાત્રા રૂટનું તાત્કાલિક નિરીક્ષણ કર્યું. રાતોરાત તંબુ ફરીથી તણાવાની તૈયારીઓ શરૂ થઈ. કમિશ્નર અને કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે સિંદૂર યાત્રા કોઈ પણ સંજોગોમાં રોકાશે નહીં.
આ તોફાનથી વીજ પુરવઠા પર પણ ગંભીર અસર પડી, અનેક ફીડર ઠપ્પ થયા, અને વીજ વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી. શહેરમાં 60-70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ટ્રાફિક જામ થયો અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.