ઘર પાસે કારમાંથી ઉતરતાં જ ચાર શખ્સોએ કર્યો હુમલો, એક આરોપી ઝડપાયો
લૂંટ સમયે બાઈક સ્ટાર્ટ ન થતાં બૂમાબૂમમાં એક પકડાયો, ત્રણ ફરાર
વડોદરા, તા. 17
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સનસનાટીભરી લૂંટની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. કારેલીબાગ વિસ્તારમાં ગિફ્ટની દુકાન ચલાવતા 68 વર્ષીય વૃદ્ધ વેપારી પાસેથી ચાર શખ્સોએ આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની રોકડ લૂંટી હતી. બનાવ દરમિયાન એક આરોપી ઝડપાયો છે જ્યારે તેના ત્રણ સાગરીત ફરાર થઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ હરણી–વારસિયા રિંગ રોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા લીલા રામ લાકડમલ રેવાણી છેલ્લા 25 વર્ષથી કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ સામે ગિફ્ટની દુકાન ચલાવે છે. 16 જાન્યુઆરીએ તેઓ દિવસભરના ધંધા બાદ રાત્રે રૂ.10 લાખ રોકડ હેન્ડબેગમાં રાખી કારમાં ઘરે આવ્યા હતા. રાત્રે લગભગ 8 વાગ્યે સોસાયટીમાં કાર ઉભી રાખી તેઓ બહાર ઉતર્યા તે સમયે એક એક્ટિવા અને એક બાઈક પર આવેલા ચાર યુવકો અચાનક તેમના પર તૂટી પડ્યા હતા.
એક શખ્સે તેમની ફેટ પકડી છાતીમાં મુક્કા માર્યા હતા, જ્યારે બીજા શખ્સે આંખોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. નજર ધૂંધળી થતાં અન્ય સાગરીતોએ કારમાંથી રોકડ ભરેલી બેગ ઉઠાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન એક લૂંટારૂની ગાડી ચાલુ ન થતાં વૃદ્ધ વેપારીએ બૂમાબૂમ કરી હતી, જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા અને એક આરોપીને પકડી લીધો હતો. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે.