ડ્રાઈવર મોબાઈલ પર રચ્યો પચ્યો રહેતા ઘટના બની :
વીજ થાંભલાને વ્યાપક નુકસાન, વાયરો તૂટી પડ્યા :
( પ્રતિનિધી )વડોદરા,તા.29
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા કોર્પોરેશનના જેસીબીને અકસ્માત સર્જ્યો હતો. મોબાઈલ પર વાત કરતા કરતા જેસીબી ચલાવતો હોય એકાએક વીજ થાંભલા સાથે ભટકાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં થાંભલો નમી પડ્યો હતો, જ્યારે ઇન્ટરનેટના કેબલો પણ તૂટી પડ્યા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વધુ એક વાહનને અકસ્માત સર્જ્યો હતો. શહેરના વારસિયા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા કોર્પોરેશનના જેસીબીએ ટ્રાફિક નિયમનનો ભંગ કરી અકસ્માત સર્જ્યો હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું. ઝૂલેલાલ મંદિર પાસેથી પસાર થઈ રહેલા કોર્પોરેશનના જેસીબીનો ડ્રાઇવર મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. તે મોબાઈલ પર વાત કરતા કરતા જેસીબી ચલાવી રહ્યો હતો. અચાનક સામે વીજ થાંભલો આવી ગયો હોવા છતાં પણ તેની નજર પડી ન હતી અને વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાયો હતો.

સબનસીબે આ ઘટના વખતે કોઈની અવરજવર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી જ્યારે સર્જાયેલા અકસ્માતને પગલે વીજ થાંભલાને વ્યાપક નુકસાન થયું હતું. કેબોલો તૂટી ગયા હતા. સ્થાનિક મહેશભાઈએ જણાવ્યું હતું કે, જેસીબીવાળો આવ્યો હતો અને એના મોબાઈલ પર વાત ચાલુ હતી અને અચાનક સામે થાંભલો આવી ગયો, તેણે સામે જોયું નહીં અને વીજ થાંભલા સાથે તેણે જેસીબીને અથાડી દીધું હતું. વીજ થાંભલો આખો વાંકો થઈ ગયો છે કેબલો બધા તૂટી ગયા છે. સારું છે કે કોઈ હતું નહીં જેથી જાનહાની થઈ નથી.
