Vadodara

વારસિયામાં કાર સળગાવનાર મુખ્ય આરોપી બુટલેગર હેરી અને વિવેકની ધરપકડ

બંને આરોપીઓને સાથે રાખી પોલીસે આગચંપીની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું
(પ્રતિનિધિ) વડોદરા, તા. 27
વારસિયા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધીના સાગરીતની કાર સહિત ત્રણ વાહનો પર જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાની ઘટનામાં મુખ્ય આરોપી બુટલેગર હેરી લુધવાણી તથા વિવેક ઉર્ફે બિન્નીની પોલીસે ધરપકડ કરી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ, રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આગચંપીની સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. રિમાન્ડ પૂર્ણ થતાં બંને આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયા છે.
પોલીસ તપાસ મુજબ, અગાઉ હેરી લુધવાણી પર થયેલા હુમલાની અદાવત તેમજ વિસ્તારમાં પોતાનો ડર ઉભો કરવા હેરી અને તેના સાગરીતોએ આ આગચંપીની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ અલ્પુ સિંધીના વારસિયા વિસ્તારમાં રહેતા સાગરીતની કાર સાથે અન્ય બે વાહનો પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી હતી અને બાદમાં સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે કારના માલિક યુવકે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી અને હેરી લુધવાણી વચ્ચે દારૂના ધંધાને લઈ અવારનવાર ગેંગવોર થતી રહેતી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. તાજેતરમાં પંડ્યા બ્રિજ પાસે લુધવાણીનો પીછો કરી તેને અટકાવવામાં આવ્યો હતો અને ત્યાં તેના પર બુટલેગર સહિતના સાગરીતોએ હિંસક હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની અદાવત રાખીને હેરી લુધવાણીએ આગચંપીની કાર્યવાહી કરી હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગેંગની શોધખોળ શરૂ કરી હતી, જેમાં અગાઉ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ 26 જાન્યુઆરીના રોજ હેરી લુધવાણી તથા વિવેક ઉર્ફે બિન્નીને પોલીસ કાફલા સાથે આગની ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા મેજિસ્ટ્રેટે તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી બુટલેગર હેરી લુધવાણી સામે વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત આણંદ અને દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે. તેવી જ રીતે વિવેક ઉર્ફે બિન્ની સામે પણ વડોદરા શહેરના છ પોલીસ સ્ટેશનોમાં અગાઉથી ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં સામે આવ્યું છે.

Most Popular

To Top