વડોદરા પાલિકાની બજેટ સભામાં ‘તિરંગા’ના ખર્ચ મુદ્દે સંગ્રામ: કોર્પોરેટર આશિષ જોષીના વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો
ગૌરવ કે વેડફાટ? તિરંગા અને ભગવા ઝંડાના ખર્ચ પર આશિષ જોષીના આક્ષેપોથી પાલિકામાં હંગામો: માફીની માંગણી
₹7,609 કરોડના બજેટ પર ચર્ચાને બદલે વિવાદનો વંટોળ: આશિષ જોષીની ટીકાઓ સામે સત્તાધારી પક્ષનો આક્રોશ
વડોદરા : મહાનગરપાલિકામાં જ્યારે શહેરના ભવિષ્ય અને ₹7,609 કરોડના વિકાસલક્ષી બજેટ પર ગંભીર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પૂર્વ વિસ્તારના કોર્પોરેટર આશિષ જોષીએ હંમેશની આદત મુજબ સભામાં વિઘ્ન સંતોષી બની હોબાળો મચાવ્યો હતો. વિકાસના કામોમાં રચનાત્મક સૂચનો આપવાને બદલે આશિષ જોષીએ રાષ્ટ્રના પ્રતીક એવા ‘તિરંગા’ના ખર્ચ સામે સવાલો ઉઠાવીને સભાનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે સમગ્ર સભામાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સભામાં આશિષ જોષીએ એવો વિવાદાસ્પદ મુદ્દો છેડ્યો હતો કે જ્યારે વડાપ્રધાન કે અન્ય નેતાઓ વડોદરા આવે છે ત્યારે તિરંગા અને ભગવા ઝંડા પાછળ થતો ખર્ચ ટેક્સના નાણાંનો વેડફાટ છે. રાષ્ટ્રધ્વજને ખર્ચ અને વેડફાટ સાથે સરખાવતા જ સત્તાધારી પક્ષના કાઉન્સિલરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સભ્યોએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, “તિરંગો એ દરેક ભારતીયનું ગૌરવ છે અને તેના પર આવી હલકી ટિપ્પણી કરવી એ રાષ્ટ્રધ્વજનું અપમાન છે.” આશિષ જોષીએ સભાની ગરિમા જાળવવાને બદલે માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ આવા નિવેદનો કર્યા હોય તેવું જણાઈ આવતું હતું. સત્તાધારી પક્ષે તેમની પાસે તાત્કાલિક માફીની માંગણી કરી હતી.
સભામાં પોતાનું મંતવ્ય રજૂ કરવાના બહાને આશિષ જોષીએ પાલિકાની આવક અને વહીવટ પર પણ પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે મોબાઈલ ટાવરની સંખ્યા, મુક્ત જ્વેલર્સના વેરા વસૂલાત અને ઈ-ટોયલેટ જેવી બાબતોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. જોકે, આ બાબતોમાં પુરાવા આપવાને બદલે માત્ર સભામાં વિવાદ ઉભો કરી મેયર અને કમિશનરનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સત્તાધારી પક્ષના સભ્યોએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, આશિષ જોષી દ્વારા દર સભામાં કોઈને કોઈ બહાને હોબાળો કરવો એ જાણે એક આદત બની ગઈ છે. બજેટ જેવી મહત્વની સભામાં જ્યાં શહેરના વિકાસના કામોની મંજૂરી આપવાની હોય, ત્યાં તિરંગા જેવા સંવેદનશીલ વિષય પર ટિપ્પણી કરીને તેમણે ફરી એકવાર વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. તેમની આ વર્તણૂક સામે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.