શહેરમાં પાણીનું સંકટ દિવસે દિવસે વકરતું જાય છે. ઉનાળામાં પાણી માટે હાહાકાર મચી જાય છે, ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થાય છે, અને સામાન્ય દિવસોમાં પાણીની પાઇપલાઇનમાં લિકેજ થઈ અણધારી મુશ્કેલીઓ ઊભી થાય છે. તાજેતરમાં પ્રતાપનગરથી લાલબાગ જવાના રસ્તે પાણીનો મુખ્ય પાઇપ લીક થતા હજારો લિટર પાણી વેડફાઈ ગયું, અને તંત્ર હંમેશની જેમ પછીથી કાર્યવાહી કરવાનું શરૂ કર્યું.
શહેરમાં પાણી પુરવઠા માટે કરોડોનું બજેટ મંજૂર કરવામાં આવે છે, છતાં નાગરિકોને પૂરતું અને શુદ્ધ પાણી નથી મળતું. પુરવઠા વ્યવસ્થામાં ખામી, જૂની પાઇપલાઇન, અને સમયસર જાળવણી ન થવાને કારણે આ સમસ્યા વારંવાર ઊભી થાય છે. જૂની અને જર્જરિત પાઇપલાઇન સમયસર બદલવામાં આવતી નથી. જાળવણી અને સમારકામ માટે પૂરતું આયોજન અને પગલાં લેવાતા નથી. પાણીના વેડફાટથી લાખો રૂપિયાનું નુકસાન થાય છે, પણ કોઈ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. અવાર નવાર આવી પરિસ્થિતિઓના નિર્માણ થતા રહે છે.
પ્રશાસન દ્વારા વારંવાર દાવા કરવામાં આવે છે કે નગરજનોને પૂરતું અને ગુણવત્તાસભર પાણી મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે નાગરિકોને રોજબરોજની જીવન જરૂરિયાત માટે પણ સંઘર્ષ કરવો પડે છે. તંત્ર જો પાણીના વિતરણ માટે સખત નીતિ બનાવે અને નાગરિકોની ફરિયાદોનું ગંભીરતાથી નિરાકરણ લાવે, તો આવું વારંવાર ન બને.
