: સ્થાનિકો અને વેપારીઓએ પાલિકા તેમજ નગરસેવકો સમક્ષ તાત્કાલિક ઉકેલની માંગ કરી,
જો તાત્કાલિક સમસ્યા નું નિરાકરણ નહીં આવે તો આવનારા ઇલેક્શનમાં જોવા જેવી થવાની ચીમકી આપી
વડોદરા: વડોદરાના વાડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ડ્રેનેજનું ગંદું પાણી રસ્તા પર ફરી વળતું રહેતું હોવાને કારણે લોકો અને વેપારીઓમાં ભારે તકલીફ સર્જાઈ છે. ગત રવિવારથી અત્યાર સુધી પાણી રસ્તા પર જ ભરાયેલું રહે છે, આસપાસના વિસ્તારોમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ છે.

સ્થાનિકોનું કહેવું છે કે રસ્તા ઉપર ભરાયેલું ગંદુ પાણી ઘરની બહારના રસ્તા પર પણ વહેતું રહેતું હોવાથી ખાવાનું પણ બનાવી શકતા નથી. સાફસફાઈ અને આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ ગઈ છે.
વિસ્તારના વેપારીઓએ કહ્યું કે આ સમસ્યાને કારણે ગ્રાહક બજારમાં આવવાનું ટાળી રહ્યા છે, જેના કારણે વેપારમાં પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.

તેઓએ પાલિકાની વોર્ડ કચેરી અને મુખ્ય કચેરીમાં અનેક વખત ફરિયાદ કરી છે, પણ હજુ પણ કોઈ પ્રકારની પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.
વાડી વિસ્તાર વોર્ડ નં. 14 અને 15માં આવતો હોવા છતાં નગરસેવકો ધ્યાન આપતા નથી અને તંત્રમાં અધિકારીઓ એકબીજા પર જવાબદારી નાખી રહ્યા છે.

વિસ્તારના લોકોએ અને વેપારીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે જો આ સમસ્યાનો ઝડપી ઉકેલ ન કાઢવામાં આવ્યો તો આગામી ચુંટણીમાં આ મુદ્દા સાથે તંત્રને જવાબ આપવો પડશે. પાલિકા અધિકારીઓએ પણ હજી સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી નથી કરી. સ્થાનિકો તાકેદ છે કે તંત્ર વહેલી તકે આ સમસ્યાને પૂર્ણ રીતે દૂર કરે.