શહેરમાં દૂષિત પીવાના પાણીની બૂમો ઉઠી : વોર્ડ કચેરી ખાતે રહિશોની રજૂઆત
બહારથી વેચાતું પાણી લાવવા નાગરિકો મજબુર :
( પ્રતિનિધી )વડોદરા,તા.2
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ફરી એક વખત દૂષિત પીવાના પાણીની બૂમો ઉઠી છે. શહેર વાડી વિસ્તારમાં આવેલી પહેલી પોળ, છેલ્લી પોળ, નાલબંધ વાળા સહિતની પોળો અને મહોલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવી રહ્યું છે. આ અંગે રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહિ આવતા વિસ્તારના લોકો બહારથી વેચાતું પાણી લાવવા મજબુર બન્યા છે.

કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો પ્રાથમિક સુવિધાથી આજે પણ વંચિત રહેવા પામ્યા છે. ત્યારે, શહેરના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે. જેને લઈ પ્રજા હેરાન પરેશાન છે. એક બાજુ રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે નાગરિકો ગંદુ પાણી પીવા મજબુર બન્યા છે. વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો સ્માર્ટ સીટીની વાતો કરે છે. પરંતુ, તે કાગળ પર જ હોય તેવું સામે આવી રહ્યું છે. ઇલેક્શન વોર્ડ નંબર 14 માં આવેલા અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે. જેને લઈ વિસ્તારના સ્થાનિકોએ પાલિકાની વોર્ડ 14ની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી હતી અને વહેલામાં વહેલી તકે પાણીનો પ્રશ્ન દૂર થાય તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, વાડી વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે. જે પીવાલાયક નથી. અમે પાણી પુરવઠા શાખા સાથે સંકલન કરી નિરાકરણ લાવીશુ.