ભાડુઆતની મનમાની સામે મકાન માલિકે હાથ અઘ્ધર કર્યા,પ્લેકાર્ડ સાથે લોકોનો વિરોધ
પોલીસ ચોકી,પોલીસ કમિશ્નર સહિત મ્યુ.કમિશ્નરને પણ રજૂઆત :
( પ્રતિનિધી )વડોદરા,તા.18
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા વાણિયા શેરીમાં ભાડુઆત દ્વારા રેસિડેન્સિયલ એરિયામાં જબરજસ્તીથી કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરાતી હોવાના મુદ્દે સ્થાનિકો દ્વારા પોલીસ કમિશનર તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. આજે વિસ્તારના લોકોએ પોસ્ટર સાથે વિરોધ દર્શાવી નારાજગી વ્યક્ત કરી હતી.

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વાણિયા શેરીમાં છેલ્લા બે વર્ષથી રૂપેશ વસંતભાઈ પટેલના મકાનમાં નિખિલ પટેલ ભાડુઆત તરીકે રહે છે. આ રહેણાંક વિસ્તાર છે. પરંતુ અહીં ભાડેથી રહેતો નિખિલ પટેલ નામનો ભાડુઆત ઘરની જગ્યાએ મનફાવે તે સમયે બહાર રસોડું બનાવી કોમર્શિયલ પ્રવૃત્તિ કરતો હોવાના આક્ષેપ વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવ્યા છે. સ્થાનિકોના કહ્યા મુજબ ઘણીવાર દિવસે બે વાગ્યે તથા મોડી રાત સુધી આ પ્રવૃત્તિ કરતો હોય છે. જેના કારણે સ્થાનિકોને પોતાના વાહનો મૂકવામાં તથા રાત્રે પણ ઘોંઘાટ થતો હોવાથી તકલીફ પડી રહી છે. તદ્પરાંત બહાર રસોડું કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય છે. જ્યારે પણ સ્થાનિકો આ બાબતે કહેવા જાય ત્યારે માથાભારે ભાડુઆત ધમકી આપે છે અને બળજબરીથી પોતાની મનમાની ચલાવી રહ્યો છે. સ્થાનિકોએ મકાન માલિક ને પણ વાત કરી હતી. પરંતુ મકાન માલિકને ભાડા સાથે મતલબ હોય તેમણે પણ સ્થાનિકોની રજૂઆત ધ્યાને લીધી ન હતી. સ્થાનિકો દ્વારા કાળુપુરા પોલીસ ચોકીમાં પુરાવા સાથે અરજી આપી હતી તેમ છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી

સાથે જ આ બાબતે સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા. પરંતુ ત્રણ થી ચાર વખત ધક્કા ખાવા પડ્યા હતા. છેવટે સ્થાનિકો દ્વારા શહેર પોલીસ કમિશનરને પણ પુરાવા સાથે રજૂઆત કરી આ ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.