Vadodara

વાઘોડીયાના લીલોરા ગામે સગાઈ તૂટી જતા અદાવત રાખીને યુવતીના કાકાને પિતા પુત્રે લાકડીના ફટકા માર્યા

ઝનૂનભેર મારેલા ફટકાથી આંખ ઉપર ફ્રેકચર થઈ ગયું
વડોદરા: વાઘોડિયા તાલુકાના લીલોરા ગામના ભાલિયા પરિવારે તેમની દીકરીની સગાઈ ગામમાં રહેતા તેમની જ જ્ઞાતિના યુવક સાથે કરી હતી. ત્યાર બાદ યુવક યુવતી વચ્ચે કોઈ અંગત કારણસર ખટરાગ સર્જાયો હતો. તે બાબતે બંનેના પરિવારજનોને મનદુઃખ થતા સગાઈ તોડી નાખી હતી. તેની અદાવત રાખી યુવતીના કાકાના ઘરે જઈ લાકડી વડે હુમલો કરતા પિતા પુત્ર સામે જરોદ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના લીલોરા ગામના ડેરીવાળા ફળિયામાં રહેતા ૬૦ વર્ષના ભીખા સાભય ભાલિયા ખેતી કામ કરે છે. તેમણે પોલીસમાં જણાવ્યું હતું કે તેમના ભાઈએ દીકરીની સગાઈ ગામના તેમની જ્ઞાતિના યુવક સાથે કર્યા પછી તોડી નાખી હતી. તેની અદાવત રાખી ગામમાં રહેતા હસમુખ શિવા ભાલિયા અને તેનો દીકરો અજય ભીખાભાઈ ઘરે ધસી આવ્યા હતા અને સગાઈ તોડવાની બાબતે ઉગ્ર સ્વરે ઝઘડો કર્યો હતો.આવેશમાં આવી ગયેલા પિતા પુત્રે લાકડીના આડેધડ ફટકા મારી દીધા હતા. હુમલાના કારણે ભીખાભાઈને માથામાં અને કાન પર ઇજાઓ પહોંચી હતી તેમજ આંખ ઉપર ફેકચર પણ થઈ ગયું હતું. માથાભારે હુમલાખોર પિતા પુત્રે જતા જતા મારી નાખવાની ધમકી પણ આપી હતી. લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત ભીખાભાઈ એ ઉચ્ચારી બંને આરોપીઓ સામે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલિસે બંને હુમલાખોરો સામે ગુનો દાખલ કરીને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top