Vadodara

વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી

‘બિલ્ડિંગ ક્યારે તૂટશે?’ જીવ બચાવવા આખું કોમ્પ્લેક્સ રસ્તા પર દોડી આવ્યું!

બેદરકાર બિલ્ડર સામે પગલાં લેવા સ્થાનિકોની ઉગ્ર માંગ

વડોદરા:; શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ પર નવી બંધાઈ રહેલી એક સાઇટના ઊંડા પાયા ખોદવાના કારણે બાજુમાં આવેલા સર્જન કોમ્પ્લેક્સના અનેક મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેનાથી રહીશોમાં ભારે ભય ફેલાયો છે. પરિણામે, બિલ્ડિંગ ધરાશાયી થવાના ડરથી ગભરાયેલા સ્થાનિકો પોતાના મકાનો ખાલી કરીને જીવ બચાવવા રોડ પર દોડી આવ્યા હતા અને પાલિકા તંત્ર તેમજ સ્થાનિક બિલ્ડર સામે ભારે હોબાળો મચાવ્યો હતો.

ઘટનાક્રમ અને બચાવ કામગીરી
​શનિવારે સવારે દસેક વાગ્યાના સુમારે, નવી બંધાઈ રહેલી સાઇટના ખોદાયેલા ઊંડા ખાડામાં એક વ્યક્તિ અચાનક પડી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ સાથે જ, સર્જન કોમ્પ્લેક્સની ડમ્પાઉન્ડ વોલ પણ ધડાકાભેર તૂટી પડી હતી.
​ખાડામાં પડેલી વ્યક્તિને બચાવવા માટે સ્થાનિક રહીશોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ તંત્રને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ખાડામાં ફસાયેલી વ્યક્તિને સહી-સલામત રીતે બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો.

નવા કોમ્પ્લેક્સના પાયા માટે ખોદાયેલા ઊંડા ખાડાના કારણે સર્જન કોમ્પ્લેક્સના અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ અંગે અગાઉ પણ બિલ્ડરને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ બિલ્ડરે આંખ આડા કાન કરતા તિરાડો વધુ મોટી થઈ ગઈ છે.
​સ્થાનિકોના જણાવ્યા મુજબ, આજે અચાનક કોમ્પ્લેક્સના કેટલાક મકાનોમાં ભારે ધ્રુજારી શરૂ થતાં ગભરાયેલા પરિવારોએ પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક મકાનો છોડીને બહાર રોડ પર દોડી આવવું પડ્યું હતું. બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થવાના ભયથી રહીશોમાં ભારે ગભરાહટ ફેલાયો છે.
જીવ બચાવીને નીચે દોડી આવેલા અનેક પરિવારોએ બાજુની નવી બંધાતી સાઇટ અને પાલિકા તંત્ર સામે વિરોધી સૂત્રોચાર કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. રહીશોએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે પાલિકા તંત્રે કોઈ સ્થળ તપાસ કર્યા વિના જ આ નવી સાઇટને બાંધકામની મંજૂરી આપી દીધી હોવાની શક્યતા છે.
​આ ઉપરાંત, સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે રેતી, સિમેન્ટ, સળિયા અને ઈંટો ભરેલી ટ્રકો ગમે ત્યારે રોંગ સાઈડથી આવતી હોવાના કારણે અકસ્માતો થવાનો પણ સતત ભય રહે છે.
​સમગ્ર ઘટનાને પગલે વાઘોડિયા રોડ પર ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. રહીશોની મુખ્ય માંગણી છે કે પાલિકા તંત્ર તાત્કાલિક આ બાબતે હસ્તક્ષેપ કરે અને સર્જન કોમ્પ્લેક્સની સુરક્ષા સુનિશ્ચિત કરે.

Most Popular

To Top