ફાયરબ્રિગેડના જવાનોએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો
મોટો ધડાકો થતા આસપાસના લોકો ટોળે વળ્યાં,સદ નસીબે મોટી દુર્ઘટના થતા ટળી


( પ્રતિનિધી )વડોદરા,તા.7
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલ દેવ ટી સ્ટોલમાં અચાનક ગેસના બોટલમાં ગેસ લીકેજથી બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી હતી. તાત્કાલિક ઘટના સ્થળે ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સદ નસીબે મોટી દુર્ઘટના થતા ટળી હતી.

વડોદરા શહેરમાં એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો બીજી તરફ ખાવાના શોખીનો વિવિધ દુકાનો પર ઉમટી રહ્યા છે, તેવામાં ચાલુ વરસાદમાં ચાની ચૂસકી માણવાનો પણ એક અનોખો શોખ લોકો ધરાવતા હોય છે. જોકે અહીં એક ઘટનામાં મોટી દુર્ઘટના થતા ટળી હતી. ચાની દુકાનમાં ગેસના બોટલમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી દેવ ટી સ્ટોલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી દેવ ટી સ્ટોલમાં અચાનક ગેસના બોટલમાં લીકેજના કારણે બ્લાસ્ટ થતા આગ લાગી હતી મોટો અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે દુકાનમાં હાજર લોકો પણ તાત્કાલિક બહાર દોડી ગયા હતા. જેના કારણે મોટી જાનહાની થતા ટળી હતી. જ્યારે બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ દેવ ટી સ્ટોલ ખાતે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્નસીબે આ આગની ઘટનામાં મોટી જાનહાની થતા ટળી હતી.