વ્યાજ સહિત રૂ. 7.38 લાખની ચુકવણી ન કરાતા બેંકની ફરિયાદ, ગ્રાહક અને વેલ્યુઅર સામે ગુનો નોંધાયો
વડોદરા | તા.30 :
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં ગોલ્ડ લોન સ્કીમ હેઠળ નકલી સોનાના દાગીનાં મૂકીને મોટી રકમની લોન લેવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. કુંપાડ વિસ્તારના એક વ્યક્તિએ બેંકમાં સોનાના દાગીનાં ગીરવે મૂકી રૂ. 6.82 લાખની લોન મેળવી હતી. તે સમયે બેંકના નિયુક્ત વેલ્યુઅરે દાગીનાં 22 કેરેટ હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું.
બેંકના જણાવ્યા અનુસાર, લોનધારકે સમયસર હપ્તા ભર્યા ન હતા. વ્યાજ સહિત કુલ રૂ. 7.38 લાખની રકમ ચૂકવવા માટે વારંવાર નોટિસો મોકલવા છતાં કોઈ ચુકવણી કરવામાં આવી ન હતી. ત્યારબાદ દાગીનાંનું અન્ય સોની પાસે પુનઃવેરિફિકેશન કરાવતા તે નકલી હોવાનું બહાર આવ્યું હતું.
આ મામલે વાઘોડિયા રોડ શાખાના બ્રાન્ચ મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2019 દરમિયાન ગોલ્ડ લોન માટે આવેલા આશીફ અશરફ મલેક (રહે. કુંપાડ રોડ, જલારામ તલાવડી, ગામ મંજુસર, જી. વડોદરા)એ નકલી દાગીનાં ગીરવે મૂક્યા હતા. સાથે જ તે સમયના વેલ્યુઅર દિલીપકુમાર નટવરભાઈ સોની દ્વારા દાગીનાંને 22 કેરેટ તરીકે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બેંકનું માનવું છે કે લોનધારક અને વેલ્યુઅર વચ્ચે મીલીભગતથી બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
બેંક દ્વારા આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનએ નકલી દાગીનાં મુકનાર લોનધારક તેમજ વેલ્યુઅર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને બંનેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલી રહી છે અને ગોલ્ડ લોન પ્રક્રિયામાં થયેલી ખામીઓ અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.