Vadodara

વાઘોડિયા રોડના ફ્લેટમાં ગેસ લાઈનમાં લીકેજથી બ્લાસ્ટ,પ્રચંડ અવાજથી લોકોમાં ફફડાટ ફેલાયો

વૈકુંઠ ચાર રસ્તા પાસેના સુંદરમ આઈકોનના C ટાવરના મકાનમાં બ્લાસ્ટથી મોટું નુકસાન : એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ગેસ વિભાગ અને ફાયરબ્રિગેડની ટીમે કામગીરી હાથ ધરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.1

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા વૈકુંઠ ચાર રસ્તા પાસેના સુંદરમ આઇકોનના સી ટાવર ના મકાન નંબર 101 માં ગેસ લાઈનમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ધડકાના મોટા અવાજથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા બનાવની જાણ થતા જ ગેસ વિભાગની ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ ઉપર વૈકુંઠ ચાર રસ્તા પાસેના સુંદરમ આઈકોનના એક ફ્લેટમાં પ્રચંડ ધડાકો થતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુન્દરમ આઈકોનના સી ટાવરમાં આવેલા મકાન નંબર 101 માં વહેલી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ગેસની લાઈનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના કારણે મકાનમાં વોશબેસિન, પંખો, સોફાસેટ સહિતની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. જ્યારે આ બ્લાસ્ટની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રથમ માળ પર આ ઘટના બની હતી. બ્લાસ્ટના પ્રચંડ અવાજથી સી ટાવર સહિત આસપાસના ટાવરમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ ઘટનાની અસર આખા ઘરમાં વર્તાઈ હતી. ગેસની પાઇપલાઇનમાં આ ધડાકો થયો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના અને વડોદરા ગેસ એજન્સીના કર્મચારીઓ ઘટના સાથે દોડી આવ્યા હતા અને ચકાસણી કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે, કોક ખુલ્લો હતો. જો કે જે પ્રકારે આ ધડાકો થયો હતો. તે ખૂબ જ ગંભીર હતો.

ધડાકાના કારણે ઘરનો સામાન વિખેરાઈ ગયો હતો. જ્યારે આ ધડાકાની અસર છેક ગેલેરી સુધી પણ પહોંચી હતી. ટાવરમાં રહેતા એક રહીશે જણાવ્યું હતું કે, સવારે 7:30ની આસપાસ આ ઘટના બની હતી. આ ધડાકો આખી સોસાયટીની અંદર પ્રચંડ સંભળાયો હતો. મોટો અવાજ થતા જ સોસાયટીના તમામ રહીશો દોડીને અહીં આવ્યા હતા. મિતુલભાઈ કરીને જે મકાન માલિક છે. એ ખૂબ જ દાઝી ગયા હતા અને ઘરમાં ખૂબ જ નુકસાન થયું છે. એટલે સોસાયટીના તમામ માણસોએ આવીને પ્રથમ એમને હોસ્પિટલમાં લઈ ગયા છે. જ્યાં એમની સારવાર ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધી ગેસની બોટલ માં લીકેજને કારણે બ્લાસ્ટ અને આગની ઘટના બનતી હતી. જોકે હવે ગેસની લાઈનની પાઇપલાઇનમાં પણ લીકેજથી બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. ત્યારે હાલ આ ઘટનાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Most Popular

To Top