હાલોલ: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ શંકર ટેકરી ખાતે રહેતો હાર્દિક ગણપતભાઈ પરમાર ઉંમર વર્ષ 28 તારીખ 3 ના રોજ રાત્રે ઘરે ન હોવાથી તેની તપાસ કરવા તેના ભાઈ જયેશ અને રમેશ ગામે રહેતા હાર્દિકના મિત્રને પૂછ્યું હતું કે હાર્દિક ક્યાં છે, ત્યારે જણાવ્યું હતું કે અમે ચાર મિત્રો વાઘોડિયા જમવા જઈએ છીએ. બાદમાં મોડી રાત સુધી હાર્દિક ઘરે ન આવતા તેના ભાઈઓએ ફરી તપાસ કરતા તેના મિત્રે જણાવ્યું હતું કે અમે રાત્રે જમીને છૂટા પડી ગયા હતા. હું અત્યારે નોકરી પર છું .જેથી હાર્દિકના પરિવારજનો શોધખોળ કરતા હતા. તે દરમિયાન વલવા દેવ નદીના બ્રિજ પાસે હાર્દિકનું એકટીવા મળ્યું હતું. તેની કેનાલમાં શોધ કરતા હાર્દિકનો કોઈ પતો ન લાગતા ફાયર ટીમ ની મદદ લઈ તપાસ કરતા હાર્દિકની લાશ હાલોલ તાલુકાના કડછલા ગામ પાસેથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. હાલોલ ગ્રામ્ય પોલીસે બનાવ સંદર્ભે અકસ્માત મોતનો ગુનો નોંધી હાર્દિકના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તેના પરિવારને સોંપ્યો હતો. હાર્દિકે કયા કારણસર આ પગલું ભર્યું હશે તે રહસ્ય હાલ અકબંધ છે. વધુ આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.