કપુરાઈ પોલીસે સફળ દરોડો પાડી રોકડ, 8 મોબાઈલ, બાઈક અને રીક્ષા સહિત કુલ ₹2,66,600નો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા: શહેરના વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ વિસ્તારમાં મોડી રાત્રે જુગારધામ પર પોલીસે સફળ દરોડો પાડ્યો હતો. કપુરાઈ પોલીસની ટીમે બાતમીના આધારે શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટના એક મકાનના ધાબા પર રાત્રિના અંધારામાં જુગાર રમી રહેલા 8 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ ₹2,66,600નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કપુરાઈ પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વડોદરા શહેરના વાઘોડિયા-ડભોઈ રીંગરોડ પર આવેલ સાંઈ પંજાબી હોટલ નજીક આવેલા શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટના મકાન નં. 9ના ધાબા પર કેટલાક શખ્સો એકઠા થઈને નાણાં વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના પગલે કપુરાઈ પોલીસની ટીમે ગઈકાલે મોડી રાત્રે ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને ધાબા પર હાજર જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે ચપળતા વાપરી તમામ 8 શખ્સોને ઘટનાસ્થળેથી ઝડપી લીધા હતા.
કપુરાઈ પોલીસે તમામ 8 શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીને કારણે આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસાઈ છે.
ઝડપાયેલા આરોપીઓ
1.મયુર ગોપાલ નેપાળી (કલ્યાણ નગર, કારેલીબાગ)
2.નરેશસિંગ મુકુંદસિંગ રાજપુત (બજરંગ નગર, દંતેશ્વર)
3.રાજેન્દ્ર લાલા ચૌહાણ (કિશનનગર, દંતેશ્વર)
4.જેસીંગ વજુ ભરવાડ (અનુનગર, દંતેશ્વર)
5.રજનીકાંત નગીન રોહિત (સાઈનાથ હાઉસિંગ બોર્ડ, દરબાર ચોકડી પાસે)
6.ભરત કિશોર માળી (અમર શ્રદ્ધા વુડા, તરસાલી)
7.પ્રતાપ ઈશ્વર પઢિયાર (ગાજરાવાડી)
8.સતીશ શંકર વસાવા (ગણેશનગર, ડભોઈ રોડ)
કબ્જે કરેલો મુદ્દામાલ
પોલીસે દરોડા દરમિયાન જુગારીઓની અંગઝડતી અને સ્થળ પરથી મુદ્દામાલ કબજે કર્યો હતો:
*અંગઝડતીના રોકડા: ₹14,600
*જમીન દાવ પરના રોકડા: ₹4,000
*8 નંગ મોબાઈલ ફોન (કિંમત આશરે): ₹1,08,000
*બે બાઈક અને એક રીક્ષા
કુલ મુદ્દામાલની કિંમત: ₹2,66,600