રહેણાંક મકાનોમાં ટ્યૂશન ક્લાસિસ, લેબોરેટરી તથા સ્ટોરેજ બનાવી કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ટીમ, ફાયર વિભાગ, વોર્ડ કચેરીની ટીમ,ઝોન કક્ષાની ટીમ, વીજ કંપનીની ટીમોએ પોલીસ સાથે તપાસમાં જોડાઇ કાર્યવાહી હાથ ધરી.
રાજકોટમાં ગત 25મે 2024 ના રોજ બપોર બાદ ટીઆરપી ગેમઝોન ખાતે વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગજનીની ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં નાના બાળકોથી માંડી મોટા લોકો આગમાં ભડથું થઇ ગયા હતા જ્યારે કેટલાય ગંભીર રીતે દાઝ્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસમાં સ્થાનિક મહાનગરપાલિકા તંત્ર, ફાયર વિભાગ તથા ગેમઝોનના સંચાલકો અને અનેક વિભાગની બેદરકારી સામે આવતા ગુજરાત હાઇકોર્ટે લાલઆંખ કરી હતી અને સરકાર પાસેથી મહાનગરપાલિકા પાસેથી ફાયરસેફ્ટિ અંગેના રિપોર્ટ મંગાવ્યા હતા. ત્યારબાદ તમામ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફાયરસેફ્ટિ ફાયર એન. ઓ.સી. વિના માનવજીવનને જોખમાય તે રીતે ચાલતા એકમો, હાઇરાઇઝ બિલ્ડીંગ્સ, ઓફીસો, મોલ્સ, મલ્ટિપ્લેક્ષ, ગેમઝોન, કચેરીઓ શાળા-કોલેજો, હોસ્પિટલ સહિતના સ્થળોએ ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જે આજદિન સુધી ચાલી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ, ફાયરબ્રિગેડ વિભાગ,ઝોન કક્ષાની ટીમો સાથે જ વોર્ડ ની ટીમો દ્વારા સંયુક્ત રીતે શહેરની હોસ્પિટલો, મોલ્સ, મલ્ટિપ્લેક્ષ, ગેમઝોન, શાળાઓમાં, ટ્યૂશન ક્લાસિસમાં કોમ્પલેક્ષમા ફાયરસેફ્ટિ તથા ફાયર એન. ઓ.સી.અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને દરરોજના ઘણાં એકમોને નોટિસો પણ ફટકારવામાં આવી છે. જો નોટિસમાં જણાવેલ નિયમોનું પાલન ન કરતાં કે નિયમોનું ઉલ્લંઘન કરતાં દુકાનો, ઓફીસ,સહિતના એકમોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે વીજ જોડાણો પણ કાપી નાંખવામાં આવ્યા છે.
શુક્રવારે શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ ખાતે આવેલા ઉમા ચારરસ્તા નજીકના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ ના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો આવેલી છે જ્યારે ઉપર ત્રણ માળ સુધી રહેણાંક વપરાશ માટે છે પરંતુ અહીં ઉપર કેટલાક મકાન માલિકો દ્વારા રહેણાંક નો હેતુફેર કરી મકાનોમાં ટ્યૂશન ક્લાસિસ, લેબોરેટરી તથા વસ્તુઓ મૂકવા માટે સ્ટોરેજ તરીકે વપરાશ કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે જ્યાં ફાયરસેફ્ટિના સાધનો શુધ્ધાં નથી, ફાયર એન.ઓ.સી.નથી કે કોઇપણ પ્રકારના રહેણાંક થી કોમર્શિયલ વપરાય માટે હેતુફેર ની પરવાનગી લેવામાં આવી છે. અહીં કેટલાક લોકો દ્વારા કોમર્શિયલ વીજ વપરાશ મીટરની પણ પરવાનગી લેવામાં આવી નથી અને રહેણાંક જગ્યાના વપરાશની જગ્યાએ કોમર્શિયલ વપરાશ કરવામાં આવી રહ્યો છે જે લોકોના જીવન સુરક્ષાને જોખમમાં મૂકી આવી રીતે કોમર્શિયલ વપરાશ કરવામાં આવી રહ્યો હોવાની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ, ઝોન કક્ષાની ટીમ, ઇમરજન્સી ફાયરસેફ્ટિ વિભાગ, વીજ વિભાગ, વોર્ડ ની ટીમે સ્થાનિક પોલીસ સાથે સ્થળ પર તપાસ હાથ ધરી હતી અને નોટિસ ફટકારી હતી સાથે જ વીજ કંપની દ્વારા પણ કોમર્શિયલ વીજ જોડાણ, મીટરો ની તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર કોમ્પલેક્ષ પાસે જ અન્ય લારી ગલ્લા ના દબાણો જે અન્ય વાહનચાલકો માટે અવરોધક હતા તે દબાણોને દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આ અંગે ફાયર ઓફિસર અમીત ચૌધરી સાથે પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
