- અપક્ષ જીત્યા બાદ ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું
- બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ થાય તેવી શક્યતા
લોકસભાની ચૂંટણી સાથે રાજ્યમાં પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે જેમાં વડોદરાની વાઘોડિયા બેઠકનો પણ સમાવેશ થાય છે. ભાજપાએ મંગળવારે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી જેમાં વાઘોડિયા બેઠક ઉપરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરાઈ છે.
વાઘોડિયા વિધાનસભાની બેઠક ઉપર અપક્ષ ચૂંટાઈ આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપામાં જોડાઈ ગયા હતા. હવે લોકસભાની ચૂંટણીની સાથે સાથે વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણીની પણ યોજાશે ત્યારે ભાજપાએ રાજ્યની પાંચ બેઠકો ઉપરથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. વાઘોડિયા બેઠક ઉપરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે ભાજપાના બેનર હેઠળ ચૂંટણી લડશે. તેઓનું નામ જાહેર થતા તેઓના સમર્થકો તેઓને અભિનંદન આપવા પહોંચ્યા હતા. અને મોં મીઠું કરાવી હરતોળા કર્યા હતા.
વાઘોડિયા બેઠક ઉપર આ વખતે ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતા છે. ભાજપા સામે કોંગ્રેસે હજુ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ભાજપ સામે કોંગ્રેસ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ આ બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવા એંધાણ છે. આ તમામ વચ્ચે ભાજપાના ઉમેદવાર પોતે ગત વખત કરતા વધુ મતોની લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.