(પ્રતિનિધિ) ભરૂચ, તા.20
ભરૂચ જિલ્લામાં શનિવારે મળસ્કે ફરી એકવાર ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ક્ષણભર માટે ભય ફેલાયો હતો. વહેલી સવારે અંદાજે 4.56 વાગ્યાની આસપાસ ધરતી હળવી ધ્રૂજી હોવાની અનુભૂતિ થતાં ઊંઘમાં રહેલા કેટલાક લોકો જાગી ગયા હતા. જોકે આંચકો હળવો હોવાથી કોઈ મોટી અફરાતફરી સર્જાઈ નહોતી.
ભૂકંપનું કેન્દ્ર જંબુસર નજીક
મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર જંબુસર નજીક, ભરૂચથી આશરે 45 કિલોમીટર દૂર નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી, જે હળવી શ્રેણીમાં આવે છે. સદભાગ્યે, ભૂકંપથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલો નથી.
કચ્છ ભૂકંપની યાદ ફરી તાજી
ઉલ્લેખનીય છે કે વર્ષ 2001ના કચ્છના વિનાશક ભૂકંપ બાદ ભરૂચ જિલ્લાના લોકો આજે પણ ભૂકંપના આંચકા અનુભવતા જ સાવચેતીરૂપે જાગૃત થઈ જાય છે. આ વખતનો આંચકો નાનો હોવા છતાં કેટલાક નાગરિકો સલામતી માટે ઘરની બહાર નીકળી આવ્યા હતા. થોડા સમયમાં આંચકા બંધ થતાં લોકોએ હળવાશ અનુભવી હતી.
ફોલ્ટ લાઈનને કારણે વારંવાર આંચકા
ભૂગર્ભીય રીતે ભરૂચ જિલ્લો સંવેદનશીલ માનવામાં આવે છે. અરબી સમુદ્રથી નર્મદા નદી સુધી પસાર થતી ફોલ્ટ લાઈન ભરૂચ જિલ્લાને અડીને હોવાના કારણે અહીં સમયાંતરે હળવા ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગુજરાતભરમાં દરરોજ નાનામોટા ભૂકંપ નોંધાતા રહે છે, જેમાંથી મોટા ભાગના લોકોને અનુભવાતા પણ નથી.
હાલની સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે અને કોઈ પ્રકારની હાનિ નોંધાઈ નથી, તેમ છતાં તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.