Charotar

વસો પોલીસની વાન પલટી કેવી રીતે ગઈ?


વસો પોલીસની ગાડી સામે અન્ય કોઈ વાહન કે પ્રાણી ન હોવા છતાં પલટી ખાતા અનેક તર્ક-વિતર્ક
અકસ્માત બાદ ગાડી પર તાડપત્રી લગાવાઈ અને મામલો સામે આવતા હટાવી લેવાઈ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.23
વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. આ ઘટનામાં પોલીસની ગાડીની સામે ન તો કોઈ અન્ય વાહન છે અને ન કોઈ પ્રાણી આવ્યુ, તેમ છતાં પોલીસની ગાડી પલટી ખાઈને આટલી દૂર ખેતરમાં કઈ રીતે પડી? તે અંગે અનેક ચર્ચાઓ ઉઠી છે. એટલુ જ નહીં, અકસ્માત બાદ ગાડીને છુપાવવા માટે તાડપત્રી લગાવાઈ અને આ બાબત પણ સામે આવી જતા તાડપત્રી હટાવી લેવાઈ હતી, જેના કારણે અનેક શંકાઓ સ્થાન લઈ રહી છે.
મળતી માહિતી મુજબ વસો પોલીસ મથકની એક ગાડી માતરથી અલિન્દ્રા તરફ આવતા એક રોડ પર પલટી ખાઈ ગઈ હોવાની ઘટના ગત મોડી રાત્રીએ બની હતી. જો કે, આ ઘટના જે મુજબ બની છે, તેમા અનેક જવાબ વિહોણા પ્રશ્નોનું સર્જન થયુ છે. ખાસ કરીને પોલીસની ગાડી એકલી જ પલટી ગઈ છે અને અકસ્માતની બિના બની છે. પોલીસની ગાડી પલટી ખાતા સમયે ના તો ગાડીની આસપાસ અન્ય વાહન હોવાનું નોંધાયુ છે અને આ ગાડીની આગળ કુતરુ, ગાય કે અન્ય પ્રાણી આવ્યાનું નોંધાયુ નથી. ત્યારે એકલી ગાડી માત્ર ચિકણી માટીના કારણે પલટી ખાઈ ગઈ હોવાનો વસો પોલીસનો તર્ક સામાન્યજનોના ગળે ઉતરી રહ્યો નથી. વસો પોલીસ આ મામલે ચોરનો પીછો કરતી હોય અને આ દરમિયાન ગાડી પલટી ગઈ હોવાનું જણાવી રહી છે. પોલીસના આ ખુલાસા સામે પણ અનેક શંકાઓ જન્મી રહી છે. પોલીસ જો પેટ્રોલિંગ કરી રહી હતી, તો તે દરમિયાન વાયરલેસ ન કર્યુ હોવાની પણ ચર્ચાઓ છે. જો વાયરલેસ કર્યુ હોય તો અકસ્માતની ઘટના બનતા જ નજીકમાંથી અન્ય પોલીસની ગાડીઓ મદદ માટે આવી હોત, તે મુજબની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. પરંતુ પોલીસ આખી બાબતમાં શું છુપાવી રહી છે? તે અંગે અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠી છે. ખાસ કરીને પોલીસના જ કેટલાક કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં હોય અને નશામાં ગાડી પર કાબુ ન રહ્યો હોવાનું જિલ્લાભરમાં ચર્ચાઈ રહ્યુ છે.

તમામ પ્રકારની ચર્ચાઓને પોલીસે અફવા ગણાવી
આ તરફ વસો પોલીસ મથકના પોલીસ સબ ઈન્સપેક્ટર એચ. એન. આજરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, પોલીસ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચિકણી માટીના કારણે આ અકસ્માત સર્જાયો છે અને હાલ કર્મચારીઓ સારવાર હેઠળ છે. તેમજ અન્ય તમામ ચર્ચાઓને અફવા ગણાવી હતી.

Most Popular

To Top