Charotar

વસોના પલાણા ગામનો તલાટી 5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો


વારસાઈ કરાવવા 10 હજાર નક્કી કર્યા બાદ પહેલા 5 હજાર લઈ લીધા અને બીજા 5 હજારના વાયદામાં ઝડપાઈ ગયો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.17
વસો તાલુકાના પલાણા ગામના તલાટી કમ મંત્રી 5000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. ફરીયાદીની જમીનોની વારસાઈ કરાવવા અને જમીન પર બનાવેલા મકાનોના કાગળ કઢાવવાના હતા. જે કરવા માટે તલાટીએ 10 હજાર નક્કી કર્યા હતા અને જે પૈકી 5000 લેવામાં તલાટી રંગેહાથ ઝડપાઈ ગયા છે.
ફરિયાદીએ તેમના કૌટુંબિક ભાઈઓના નામની પલાણા ગામ ખાતે આવેલી જમીનોની વારસાઈ કરાવવા માટે તથા જમીનો પર જે ઘરોનું ગેરકાયદેસર બાંધકામ થયુ હતુ, તે ઘરોના નંબરો સહિતની 6 ફેબ્રુઆરી, 2025ના રોજ આપેલી અરજી અન્વયે જરૂરી પુરાવાના કાગળો આપવા માટે તલાટી નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ વાઘેલાએ રૂપિયા 10,000ની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. તે પૈકી 5000 રૂપિયા ફરીયાદી પાસેથી યુપીઆઈ ટ્રાન્સફરથી મેળવ્યા હતા અને બાકીના 5000 રૂપિયા આજે 17 ફેબ્રુઆરી, 2025ના રોજ નડિયાદ નજીક આવેલી ડભાણ ચોકડી પાસે તુલસી ફૂડ કોર્ટ ખાતે આરોપીએ ફોન કરીને આપી જવાનું નક્કી કર્યુ હતુ. ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે બાદ ફરીયાદ આધારે નડિયાદ એ.સી.બી. પી.આઈ. વી.આર. વસાવા અને તેમની ટીમે આજે છટકુ ગોઠવતા આરોપી તલાટીએ ફરીયાદી સાથે લાંચ હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ 5000 રૂપિયા સ્વીકાર્યા હતા. જ્યાં એસીબીએ તલાટી નરેન્દ્રસિંહને રંગે હાથ ઝડપ્યા હતા. આ મામલે તલાટી સામે ગુનો દાખલ કર્યો છે અને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તલાટી અગાઉ કઠલાલના ગોગજીપુરા પંચાયતમાં ફરજ બજાવતા હતા, જ્યાંથી તાજેતરમાં જ બદલી થતા વસોના પલાણામાં મુકાયા હતા.

Most Popular

To Top