Vadodara

વસૂલાતના ટાર્ગેટમાં ‘ફેલ’ ગયેલા તલાટીઓના પગાર પર સરકારી ‘કાતર’

સ્પેશિયલ કેમ્પ અને રાત-દિવસની મહેનત એળે ગઈ, નાના કર્મચારીઓના ઘરના બજેટ ખોરવાવાની ભીતિ

(પ્રતિનિધિ), વડોદરા. તા.9

વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મહેસૂલ વસૂલાત મુદ્દે લેવાયેલા એક કઠોર નિર્ણયને પગલે સમગ્ર જિલ્લાના સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યરત તલાટી કમ મંત્રીઓ કે જેઓ નિયત કરવામાં આવેલો 60 ટકા મહેસૂલ વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવામાં નિષ્ફળ રહ્યા છે, તેમના ચાલુ માસના પગાર અટકાવી દેવાનો આદેશ છૂટતા કર્મચારીઓમાં ભારે રોષ અને કચવાટ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષના અંતિમ તબક્કે મહેસૂલ વસૂલાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, વડોદરા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વસૂલાતની કામગીરી 60 ટકા સુધી ન પહોંચતા તંત્રએ લાલ આંખ કરી છે. આ નિર્ણય સામે તલાટીઓમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે, તેઓ રજાના દિવસોમાં પણ ‘ડોર-ટુ-ડોર’ જઈને કરવેરાની ઉઘરાણી કરી રહ્યા છે અને ગામડાઓમાં સ્પેશિયલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આટલી મહેનત છતાં પગાર રોકી દેવાનો નિર્ણય અન્યાયી હોવાનું કર્મચારીઓ માની રહ્યા છે.
તલાટી મંડળ અને કર્મચારીઓમાં મુખ્ય ચર્ચાનો વિષય એ છે કે, જો ગ્રામજનો કે બાકીદારો વેરો ભરવા તૈયાર ન હોય, તો તેમાં સરકારી કર્મચારીનો શું વાંક ? નિયમ મુજબ જેઓ વેરો નથી ભરતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કે મિલકત જપ્તી જેવી સજા થવી જોઈએ, પરંતુ તેના બદલે રાત-દિવસ મહેનત કરતા કર્મચારીઓના ઘરના ચુલા અટકાવવા તે કેટલે અંશે વ્યાજબી છે? તેવા સવાલો અત્યારે વહીવટી તંત્ર સામે ઉઠી રહ્યા છે. આગામી દિવસોમાં જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે અથવા પગાર મુક્ત કરવામાં નહીં આવે, તો જિલ્લાનું તલાટી મંડળ આક્રમક વલણ અપનાવી શકે છે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

  • :- વહીવટી ગૂંચ: ‘સાપે છછુંદર ગળ્યા’ જેવી સ્થિતિ…
  • એક તરફ સરકાર મહેસૂલના આંકડા વધારવા માટે દબાણ કરી રહી છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક સંકડામણ કે અન્ય કારણોસર લોકો વેરો ભરવામાં વિલંબ કરી રહ્યા છે. આ ખેંચતાણમાં તલાટીઓ ‘સુડી વચ્ચે સોપારી’ જેવી હાલતમાં મુકાયા છે. પગાર અટકવાના નિર્ણયથી નાના કર્મચારીઓના ઘરના બજેટ ખોરવાઈ જવાની ભીતિ છે. શું તંત્ર બાકીદારો સામે કડક થશે કે પછી કર્મચારીઓના પગાર કાપીને સંતોષ માનશે ? તે હવે જોવાનું રહ્યું.

Most Popular

To Top