: ગુજરાત બોર્ડમાં ડિજિટલ સુધારાની શરૂઆત
: બારકોડ સ્કેન કરીને વિદ્યાર્થી ડિજિટલ કોપી સરળતાથી રાખી શકશે
: 21 વર્ષ બાદ માર્કશીટના ફોર્મેટમાં થશે મહત્વપૂર્ણ ફેરફાર
(પ્રતિનિધિ) વડોદરા, તા. 30 — ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટના ફોર્મેટમાં વર્ષ 2027થી મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવશે. નવી વ્યવસ્થા મુજબ હવે વિદ્યાર્થીઓને બારકોડ સાથેની માર્કશીટ આપવામાં આવશે, જેના કારણે ડિજિટલ વેરિફિકેશન વધુ સરળ બનશે.
હાલ વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં બારકોડની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે દસ્તાવેજોની ચકાસણી દરમિયાન મુશ્કેલીઓ સર્જાતી હતી. પરંતુ વર્ષ 2027ની બોર્ડ પરીક્ષાથી માર્કશીટના નીચેના ભાગમાં ખાસ બારકોડ ઉમેરવામાં આવશે, જેને સ્કેન કરીને વિદ્યાર્થી પોતાની માર્કશીટની ડિજિટલ કોપી સાચવી શકશે તેમજ તેની સરળતાથી ઓનલાઇન ચકાસણી પણ થઈ શકશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દર વર્ષે ધોરણ 10 અને 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે. છતાં છેલ્લા અંદાજે 21 વર્ષથી માર્કશીટના ફોર્મેટમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો નહોતો. અન્ય રાજ્યો તેમજ CBSE બોર્ડ દ્વારા ક્યુઆર કોડ અને ડિજિટલ સિગ્નેચર સાથેની માર્કશીટ આપવામાં આવતી હોવાથી ગુજરાત બોર્ડ પર પણ ડિજિટલ સુધારા માટે માંગ ઉઠી રહી હતી. હવે વર્ષ 2027થી ગુજરાત બોર્ડ પણ બારકોડ આધારિત નવી માર્કશીટ અમલમાં મૂકશે.