ન પરીક્ષા, ન જવાબદારી, હવે ઉમેંદવારોના ભવિષ્ય પર સંકટ
ભરતીની જાહેરાત થયે 8 વર્ષ થવા છતાં પરીક્ષા યોજવા અંગે પાલિકા કોઈ નિર્ણય લઈ શકી નથી
વર્ષે 2016-17 માં વડોદરા મહાનગર પાલિકા દ્વારા સર્વેયરની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી હતી. પરંતુ પાલિકાના અણઘડ વહીવટના કારણે આજે 8 વર્ષ જેટલો સમય થવા આવ્યો પરંતુ હજુ સુધી આ ભરતીની પરીક્ષા યોજાવાના પાલિકા નિષ્ફળ સાબિત થઈ છે. આ બાબતે ભરતીમાં ફોર્મ ભરીને પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારોએ પાલિકા સમક્ષ અનેક રજૂઆત કરી છતાં હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી અને આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, આ ભરતી જ આખી રદ કરવી પડશે. ત્યારે હવે સવાલો એ ઊભા થયા છે કે, આ ભરતીમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેમના ભવિષ્યનું શું ? ઉલ્લેખનીય છે કે, એક તરફ તાજેતરમાં અલગ અલગ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને પાલિકામાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તો બીજી તરફ વર્ષ 2016માં જાહેર થયેલી સર્વેયરની ભરતીની પરીક્ષા લેવામાં પાલીકા સાવ નિષ્ફળ નીવડી છે.
મળતી માહિતી મુજબ, સર્વેયરની ભરતીમાં જે તે સમયે શૈક્ષણિક લાયકાતમાં આઇટીઆઈમાં ડ્રાફ્ટમેન સિવિલ થયેલા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકતા હતા. પરંતુ ફોર્મ ભરાયા બાદ પાલિકા દ્વારા યોગ્ય સમયે પરીક્ષા ન લેવાતા હવે આ જગ્યા માટેના નિયમો અને શૈક્ષણિક લાયકાતમાં બદલાવ થઈ ગયો છે. હવે આ જગ્યા માટે ઉમેદવારોએ ડિપ્લોમા સિવિલમાં ડિગ્રી લીધેલી હોવી જરૂરી છે. ત્યારે પાલિકાના આવા અણઘડ વહીવટને કારણે 8 વર્ષ પહેલા જાહેર કરાયેલી ભરતીની પરીક્ષા હજુ સુધી લઈ શકી નથી અને હવે તો નિયમો બદલાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સવાલ એ પણ થયા છે કે, જે તે સમયે ફોર્મ ભરાયા તે સમયે કેમ પરિક્ષા સમયસર ન યોજાઈ ? નિયમો બદલાઈ ગયા એનું જ્ઞાન પાલિકાને હવે લાધ્યું ? વર્ષ 2016-17માં આ ભરતી માટે આજે રાહ જોઈ રહેલા ઉમેદવારોએ હવે શું કરવું ? આવા અનેક સવાલોના જવાબ આજે પણ પાલિકા પાસે નથી અને આ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો અવાર નવાર પાલિકા સમક્ષ પોતાની રજૂઆત કરે છે અને જવાબ એમને મળે છે, પાલિકાની વેબસાઈ જોતા રહો.
બોક્સ
અધિકારીઓના નિર્ણય વિલંબે 2016 ની ભરતી ખોરંભે
પાલિકાના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ બાબતની જાણ લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓને મૌખિક જાણ પણ અવાર નવાર કરવામાં આવી છે. પરંતુ ભરતીની જાહેરત બાદથી જે તે અધિકારીઓની બદલી થઈ જતા આ બાબતે વર્ષ 2016 થી અત્યાર સુધીના અધિકારીઓ પણ કોઈ નિર્ણય કરવામાં સાવ નિષ્ફળ સાબિત થયા છે. અધિકારીઓની નિર્ણય શક્તિના અભાવે આજે આ ભરતી ખોરંભે ચડી ગઈ અને અનેક યોગ્ય લાયક યુવાઓ આ નોકરીથી આજે વંચિત રહ્યા છે.