Vadodara

વર્ષ 2014 પછીની હાઉસિંગ બોર્ડની ઈમારતો માટે 10 વર્ષની સ્ટ્રક્ચરલ લાયબિલિટી ફરજિયાત

વડોદરામાં હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટના દસ પ્રોજેક્ટ લટક્યા, 15 પ્રયાસ પછી પણ ઇજારદાર મળ્યા નહીં
સૂર્યકિરણ ઇમારત ધરાશાયી થતા પહેલા રહેવાસીઓએ રીડેવલપમેન્ટ માટે રજુઆત પણ નહોતી કરી, હવે ભવિષ્યની સુરક્ષા અંગે ઉઠ્યા સવાલો

વડોદરા: શહેરના સમતા વિસ્તારમાં આવેલી સૂર્યકિરણ હાઉસિંગ બોર્ડની ઇમારત રવિવારે અચાનક ધરાશાયી થઈ, ત્યારબાદ પાલિકા દ્વારા આજુબાજુના વિસ્તારોમાં આવેલા લક્ષ્મીનગર અને અક્ષર હાઉસિંગ બોર્ડના આશરે 1200 મકાનદારોને ખાલી કરાવવાની નોટિસ આપવામાં આવી છે. પરંતુ આ ઘટના પાછળ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે, ખાલી કરવાની નોટિસ આપી પરંતુ એકસાથે આટલા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થાનું શું તે પણ ચર્ચનો વિષય બન્યો છે. હકીકત એ છે કે, વડોદરા શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ વિસ્તારોમાં રીડેવલપમેન્ટના દસ મોટા પ્રોજેક્ટ હાથ ધરાયા હતા, પરંતુ કેટલાય ટેન્ડરો કરવામાં આવ્યા છતાં એકપણ ઇજારદાર મળી શક્યો નથી. એક પ્રોજેક્ટ માટે તો 15 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હોવા છતાં કોઈ કંપની કામ કરવા માટે આગળ આવી નથી.

વિભાગના અધિકારીઓ જણાવે છે કે, સૂર્યકિરણ ઇમારતનું નિર્માણ વર્ષ 1989માં થયું હતું અને વર્ષ 1990માં રહેવાસીઓને પઝેશન આપવામાં આવ્યું હતું. વર્ષ 2014 પછી બનાવવામાં આવેલી હાઉસિંગ બોર્ડની તમામ ઈમારતો માટે 10 વર્ષની સ્ટ્રક્ચરલ લાયબિલિટી ફરજિયાત છે, પણ તે પહેલાંની નીતિ વિશે હવેના અધિકારીઓ પાસે સ્પષ્ટતા નથી. વિભાગના દાવાઓ મુજબ, સતત ટેન્ડર પ્રસિદ્ધ થયા છતાં કોઈ બિલ્ડર અથવા ઇજારદાર રીડેવલપમેન્ટ માટે ઉત્સુક નથી. બીજી બાજુ, રહેવાસીઓમાં પણ રીડેવલપમેન્ટ અંગે ભય અને અવિવેક જોવા મળ્યો છે, જેનું પરિણામ છે કે કેટલીક ઇમારતો આજે જોખમ બની ગઈ છે. શહેરી વિસ્તારના અનેક રહેવાસીઓ આજે પ્રશ્ન કરે છે કે જો તેઓ રીડેવલપમેન્ટ માટે તૈયાર છે અને હાઉસિંગ બોર્ડ ઇજારદાર ન મળવાનું કારણ આપે છે તો આવનારા સમયમાં જો કોઈ દુર્ઘટના બને, તો તેની જવાબદારી કોણ લેશે?


ગુજરાત હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ માટે લટકેલા 10 પ્રોજેક્ટની યાદી:

1. ગીતાંજલિ, કારેલીબાગ: 80 MIG + 16 દુકાનો + 15 ઓફિસો – 15મો પ્રયાસ


2. અકોટા – પાદરા: 36 LIG + 424 SIHS – 7મો પ્રયાસ


3. બાપોદ-સાવડ: 480 LIG – 7મો પ્રયાસ


4. અજવા-સયાજીપુરા: 408 LIG + 408 EWS – 7મો પ્રયાસ


5. દિવાળીપુરા, તરસાલી: 312 ફલેટ્સ – 7મો પ્રયાસ


6. વિજયનગર, ગોરવા: કુલ 508 મકાનો – 7મો પ્રયાસ


7. નંદેસરી: કુલ 500 મકાનો – 7મો પ્રયાસ


8. SIHS ગોરવા: 528 મકાનો – 7મો પ્રયાસ


9. URBAN ‘A’ ગોત્રી: 276 મકાનો – 7મો પ્રયાસ


10. ગોત્રી કોમ્પ: 400 મકાનો – 7મો પ્રયાસ

Most Popular

To Top