વડોદરા મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પાંચ દરખાસ્તોને લીલી ઝંડી
રોડ શાખાની ગ્રીટ ખરીદીમાં પાલિકાની તિજોરી પર 54.36 ટકા વધારાનો બોજ
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આજે પાંચ કામોની દરખાસ્ત રજૂ થઈ હતી. તમામ દરખાસ્તોને સમિતિએ કોઈ ખાસ ચર્ચા વિના મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગ વિભાગમાં લાભાર્થીને લગતી કામગીરી માટે દેવર્ષિ યશોધરભાઇ રાવલ સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશ્યાલિસ્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમની કરાર આધારીત નિમણૂકની મુદત લંબાવવાની દરખાસ્ત સમિતિમાં મૂકાઈ હતી. આ દરખાસ્તને પણ મંજુર કરી દેવાઈ છે. મહત્વનું એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ વિશેષ અભ્યાસ વગર તેમની મુદત એકતરફી રીતે વધારવામાં આવે છે. આ વખતે પણ એ જ રીતે નિર્ણય લેવાયો છે. બીજી તરફ, રોડ શાખા માટે સેવાલીયા-ટીંબા વિસ્તારથી બ્લેક ટ્રેપ ગ્રીટ ખરીદવાનું કામ વાર્ષિક ઇજારાથી કરવાનો પ્રસ્તાવ પણ સમિતિમાં મૂકાયો હતો. દરખાસ્તમાં માત્ર એટલું જ જણાવાયું હતું કે પ્રતિ મેટ્રિક ટનના ભાવ R&B ના SOR મુજબ રહેશે. પરંતુ ગ્રીટ કયા પ્રકારની હશે કે તેની સાઇઝ શું હશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. તેમ છતાં આ દરખાસ્તને પણ સમિતિએ મંજૂરી આપી દીધી છે.
અત્રે નોંધનીય છે કે, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કૌશલ બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે, બજારમાં 7 થી 8 પ્રકારની ગ્રીટ ઉપલબ્ધ છે. દરેક ગ્રીટના અલગ અલગ SOR રેટ નક્કી થયેલા છે. તેમ છતાં આ દરખાસ્તમાં તેની વિગત દાખલ કરવામાં આવી નહોતી. હવે આ કામ માટે પાલિકા મૂળ અંદાજીત કિંમત કરતા 54.36 ટકા ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કરાવશે. એટલે કે પાલિકા આ કામ બદલ ઇજારદારને મૂળ કિંમત કરતા 54.36 ટકા વધારે રકમ ચૂકવશે. આ રીતે બેઠકમાં રજૂ થયેલી તમામ પાંચ દરખાસ્તોને કોઈ ખાસ ચર્ચા વગર તરત જ મંજૂરી આપી દેવાઈ હતી.
સ્થાયી સમિતિનો યુ-ટર્ન : સ્વિમિંગ પૂલ મેન્ટેનન્સ ફી વસૂલાત સ્થગિત, વસૂલાયેલા 1.11 લાખ રૂપિયા પરત અપાશે
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ સ્વિમિંગ પૂલના આજીવન સભ્યો પાસેથી લેવામાં આવતી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટેની વસૂલાતનો નિર્ણય હાલ સ્થગિત કર્યો છે. અગાઉ 2025-26ના ડ્રાફ્ટ બજેટની ચર્ચા દરમ્યાન કેટલાક સભાસદોના સૂચન બાદ ઠરાવ નંબર 121 દ્વારા 19-02-2025થી આજીવન સભ્યો પાસેથી 1000 રૂપિયા ફી વસૂલવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ નિર્ણય સામે સભ્યોએ કમિશનર સમક્ષ વિરોધ નોંધાવતા હવે સ્થાયી સમિતિએ પોતાનો જ નિર્ણય પાછો લીધો છે. બીજી તરફ પાલિકાના ટુરિસ્ટ વિભાગે મેન્ટેનન્સ ફી વસૂલવા માટે કોઈ રજૂઆત કરી ન હોવા છતાં આ દરખાસ્ત સ્વીકૃત કરવામાં આવી હતી. અત્યાર સુધી સરદાર બાગ સ્વિમિંગ પૂલના 50, રાજીવ ગાંધીના 16, કારેલીબાગના 35 અને લાલબાગના 10 આજીવન સભ્યો પાસેથી કુલ 1,11,000 રૂપિયા વસૂલાઈ ચૂક્યા છે. હવે આ રકમ તમામ સભ્યોને પરત આપવામાં આવશે.