કલેક્ટર કચેરી ખાતે વર્ષ ૨૦૨૪ની છેલ્લી સંકલનની બેઠક મળી
ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં પાણી ડ્રેનેજ જેવા અનેક મુદ્દે રજૂઆત કરી સૂચનો આપ્યા
વડોદરાની નવી જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ અને ધારાસભ્યની સંકલનની બેઠક યોજાઇ હતી જેમાં સાંસદ અને ધારાસભ્યોએ ખનીજ ચોરી સહિતના વિવિધ પ્રશ્નો અંગે સૂચન ચર્ચા કરી હતી.
દર મહિનાના ત્રીજા શનિવારે કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળતી હોય છે ત્યારે શનિવારે જિલ્લા કલેકટર બીજલ શાહ ની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ હેમાંગ જોશી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા, સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં તમામે પોતાના મતવિસ્તારની સમસ્યાઓ વહેલી તકે નિકાલ થાય તેવા સૂચનો અને રજૂઆત કરી હતી.
સયાજીગંજના ધારાસભ્ય રોકડિયાએ પોતાના મત વિસ્તારમાં શિયાળામાં ગોરવા, ન્યુ અલકાપુરી નારાયણ ગાર્ડન વાળા રોડ પર જે પ્રદૂષિત હવા નીચે બેસે છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે એ વિષયની રજૂઆત કરી હતી. જીપીસીબી અને કલેકટરને જે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે. એમના દ્વારા પણ યોગ્ય નિકાલ થાય અને ઝડપથી નંદેસરીના આસપાસની કંપનીમાં એર પોલ્યુશન થતું હોય એને કંટ્રોલ કરવાના સાધનોનું ચકાસણી થાય એ દિશામાં રજૂઆત કરવામાં આવી હતી. એની સાથે ગોરવામાં જે જનસેવા કેન્દ્ર જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે એમાં રાશન કાર્ડ ઈ કેવાયસી એના માટે પણ સમા સુધી નગરજનોએ ધક્કો ના ખાવો પડે અને નવું રાશનકાર્ડ કે કેવાયસી ગોરવા જન સુવિધા કેન્દ્રમાં ચાલુ કરી દેવામાં આવે તે દિશામાં પણ રજૂઆત કરવામાં આવી હતી. અને કલેકટરે ખાતરી આપી હતી કે તાત્કાલિક ધોરણે આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે. સયાજીગંજનું હોમિયોપેથીક અને આયુર્વેદિક દવાખાનુ છેલ્લા 20 વર્ષથી માંજલપુર એરિયામાં છે એને સયાજીગંજ વિસ્તારમાં લાવવા માટે સંકલનમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. એની જમીન ફાળવણી થાય અને કન્સ્ટ્રક્શન માટેના રૂપિયા ગવર્મેન્ટ માંથી ડાઉનલોડ કરવામાં આવે એની પણ રજૂઆત કરવામાં આવી હતી. સૂચિત સોસાયટીઓનો પ્રશ્ન મોટો છે. ઉંડેરામાં ત્યાં ઘણી બધી સૂચિત સોસાયટીઓ આજે પણ પેન્ડિંગ છે. છાણી ટીપી 13 નવા યાર્ડ ની સોસાયટી પણ ઘણી બધી સોસાયટી છે. આ તમામ સૂચિ સોસાયટીઓને પ્રાધાન્ય આપીને સરકારમાંથી મંજૂરી મેળવવામાં આવે એની પણ રજૂઆત કરવામાં આવી હતી.
ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું હતું ખેતી ખનનના જે મામલાઓ છે એ બાબત ચર્ચાઓ થઈ છે. એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ગેરકાયદેસર રેતી ખનન કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાયેલી અસંતોષકારક કામગીરી પગલે સંકલનમાં ચર્ચા કરવામાં આવી અને ખાણ ખનીજ વિભાગ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું જ્યારે ખાન ખનીજ ગેરરીતી થતી હોય ત્યારે ખાન ખનીજ વિભાગના અધિકારીઓને ફોન કરતા હોય ત્યારે અધિકારીઓના ફોન સ્વીચ ઓફ હોય છે. ત્યારે સાંસદ અને ધારાસભ્યો એક સુર પુરાવી રજૂઆત કરી હતી.
સાંસદ હેમાંગ જોશી એ જણાવ્યું હતું આટલાદરા થી પાદરા તરફ એ ખૂબ જ સાંકડો છે એના કારણે જેમ જેમ વસાહતો વસી રહી છે તેમ તેમ વાહનોની અવર-જવર પણ વધી હોય અકસ્માતો વધ્યા છે આ બાબતે રોડ પહોળો કરવા બાબતે પણ રજૂઆત કરી છે. બીજો મુદ્દો ખાણ ખનીજ વિભાગ દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે ખૂબ જ નબળી કામગીરી છે. રાતના બે બે ત્રણ ત્રણ વાગે ઘણી જગ્યાએથી ફોન આવતા હોય છે. વિડીયો આવતા હોય છે કે ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે .પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ફોન સ્વીચ ઓફ કરીને સુઈ જતા હોય છે આ બાબત ખૂબ જ ચિંતાજનક છે આ બાબતે અમે કલેકટરને રજૂઆત કરી છે.
જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોનો સત્વરે નિકાલ કરો
: જિલ્લા કલેકટર બી.એ.શાહ
કલેકટર કચેરી ખાતે મળેલી જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમિતિની બેઠકમાં કલેકટર બી.એ.શાહે પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓના સંકલન વડે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેની પ્રાથમિકતા આપવા પર ભાર મુકયો હતો.
જન પ્રતિનિધિઓ દ્વારા જન સામાન્યને સ્પર્શતિ બાબતોની જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિને રજૂઆતો કરવામાં આવતી હોય છે. સંબંધિત વિભાગ દ્વારા આવી રજૂઆતોનો સત્વરે નિકાલ કરવા જિલ્લા કલેકટર બી.એ.શાહે જણાવ્યું હતું.
બેઠકમાં નેતાઓએ દ્વારા પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ સમયસર આવે તેવી રજુઆતો કરી હતી. જેમાં પીવાના પાણી, રસ્તાઓ, જમીન રી સર્વેની કામગીરી, કેનાલોની સાફસફાઇ, પુર સંરક્ષણ દિવાલ, દબાણો, ડ્રેનેજની મુશ્કેલી જેવા પ્રશ્નોની રજુઆત કરતાં સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર શાહે સંબંધિત વિભાગોના અધિકારીને જરૂરી સુચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન પેન્શન કેસોના નિકાલ, નાગરિકો દ્વારા કરવામાં આવેલી અરજીઓ, પડતર કાગળોના નિકાલ અંગે વિગતો સમીક્ષા કરતા જિલ્લા કલેકટરે ઉપર્યુકત બાબતોનો સમયમર્યાદામાં નિકાલ થાય એ અંગે તકેદારી રાખવા માટે તાકીદ કરી હતી.
આ ઉપરાંત સરકારી લેણાની વસુલાત અંગે ચર્ચા કરતા કલેકટરે જણાવ્યું હતું કે, સરકારી લેણાની વસુલાતમાં ઝડપ કરવામાં આવે એ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત સંકલન સમિતિના અન્ય મુદ્દાઓ અંગે પણ તેમણે ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલે કર્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગાયત્રીબા મહિડા, સંસદસભ્ય ડો.હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુરભાઇ રોકડીયા, ચૈતન્યસિંહ ઝાલા, શૈલેષભાઇ મહેતા,જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક રોહન આનંદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખ, પ્રાંત અધિકારી સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦