દુર્ગંધ-મચ્છરો વધતાં રોગચાળો ફેલાવાની ભીતિ, તંત્ર કે કાઉન્સિલર તરફથી કોઈ મદદ નહીં – સ્થાનિકોની તાત્કાલિક નિરાકરણની માંગ
વડોદરા શહેરના બાજવા વિસ્તારની ઇન્દિરા આવાસ કોલોનીમાં વરસાદે વિરમ્યા છતાં પાંચ દિવસ બાદ પણ પાણી ભરાઈ રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. દુર્ગંધ, મચ્છરનું ઉપદ્રવ અને બીમારીઓ ફેલાતાં લોકોમાં ચિંતા વધી રહી છે પરંતુ તંત્ર કે સ્થાનિક નેતાઓ તરફથી કોઈ કાર્યવાહી ન થતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તંત્રની બેદરકારી પર લોકોમાં ભારે રોષ, સ્થાનિક કાઉન્સિલરની નિષ્ક્રિયતા ઉપર આક્ષેપ કર્યા હતા.


વડોદરા શહેરના વોર્ડ નં. 9માં આવતાં બાજવા વિસ્તારની ઇન્દિરા આવાસ કોલોનીમાં પાંચ દિવસ પૂર્વે થયેલા વરસાદનું પાણી હજી સુધી ભરાયેલું રહેતાં નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ ન વરસ્યો હોવા છતાં વિસ્તાર પાણીમાં ગરકાવ રહેવાની સ્થિતિ તંત્રની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

સ્થાનિકોએ જણાવ્યું કે વિસ્તારના ખૂણે ખૂણે પાણી ભરાઇ જવાથી દુર્ગંધ ફેલાઇ રહી છે. સતત ભરાયેલા પાણીમાં મચ્છરની સંખ્યા વધી રહી છે, જેના કારણે તાવ અને ચેપજન્ય બીમારીઓ ફેલાવાની ભીતિ વધી ગઈ છે. લોકોનું કહેવું છે કે પાંચ દિવસ બાદ પણ પાલિકા તંત્ર તરફથી સફાઈ કે પાણીની નિકાસની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે વિસ્તારની હાલત ગંભીર બની ગઈ છે.
જણાવ્યું કે આજદિન સુધી કોઈ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે વોર્ડ નં. 9ના કાઉન્સિલરો સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યા છે.
આક્રોશિત લોકોએ ચેતવણી આપી છે કે તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવામાં મજબૂર બનશે.
વોર્ડ નં 9 બાજવા વિસ્તારની ખરાબ હાલતના જવાબદાર કાઉન્સિલરો
ઉમિષા વસાવા (9726186661)
સુરેખાબેન પટેલ (9879111275)
નરસિંહ ચૌહાણ (9773032354)(9879758286)
શ્રીરંગ આયરે (9824006366)(9925092055)