ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા: ભારે વાહનોને કાલાઘોડા તરફ ડાયવર્ટ કરાશે, નાના વાહનો માટે એક જ ટ્રેક ખુલ્લો રખાય તેવી શક્યતા
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સુદ્રઢ કરવાના ભાગરૂપે વરસાદી કાંસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને કારણે સયાજી હોસ્પિટલ જેલ રોડ થી ભીમનાથ બ્રિજ તરફ જતો મુખ્ય માર્ગ આગામી એક મહિના સુધી વાહનચાલકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કરી ટ્રાફિક ડાઇવર્ટ કરવાનાઆદેશ આપ્યા છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા ભીમનાથ નાકાથી ભીમનાથ બ્રિજ વિશ્વામિત્રી નદી સુધી વરસાદી કાંસ માટે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી રસ્તાની એક તરફ થવાની હોવાથી વાહનચાલકોને અગવડ ન પડે તે માટે પાલિકાએ ટ્રાફિક પોલીસ પાસે મંજૂરી માંગી હતી.

આ મામલે વડોદરા ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસ આજે જેલ રોડ અને ભીમનાથ બ્રિજ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “કામગીરી દરમિયાન એક તરફનો ટ્રાફિક બંધ રહેશે. જો અનુકૂળતા જણાશે તો એક જ ટ્રેક પર બંને તરફના નાના વાહનો ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચલાવવામાં આવશે. પરંતુ ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.”
પાલિકાના એન્જિનિયરો દ્વારા આ કામગીરી માટે એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે. જોકે, ટ્રાફિક પોલીસની સૂચનાને પગલે પાલિકાએ આશ્વાસન આપ્યું છે કે દિવસ-રાત કામ કરીને વહેલી તકે આ માર્ગ ફરીથી ખુલ્લો કરી દેવામાં આવશે જેથી રાહદારીઓ અને વાહનચાલકોને લાંબો સમય મુશ્કેલી વેઠવી ન પડે.
:- વાહનચાલકો માટે વૈકલ્પિક રસ્તા…
*ભારે વાહનો: ભારે વાહનોને જેલ રોડ તરફ આવવા દેવામાં આવશે નહીં. તેમને કાલાઘોડાથી ડાયવર્ટ કરી અલકાપુરી ગરનાળા તરફ મોકલવામાં આવશે.
*નાના વાહનો: નાના વાહનો માટે જો શક્ય હશે તો સિંગલ ટ્રેક સુવિધા અપાશે, અન્યથા તેમને પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.