મુખ્યમંત્રી અને વરસાદનું એક સાથે આગમન, શહેરના માર્ગો પર પાણી ભરાવા માંડ્યા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વડોદરામાં આગમન થયું એ સાથે જ મેઘરાજાએ ધબડાતી બોલાવી દીધી છે. વરસાદ અને સીએમ ના આગમનનું જોરદાર ટાઈમિંગ સેટ થયું છે. સીએમ ના આગમન પહેલાં શહેરમાં મુખ્યમંત્રી જે માર્ગ પરથી પસાર થવાના હતા, ત્યાંથી ગંદકી હટાવી સાફસફાઈ કરી દેવાઈ હતી. રખડતાં ઢોર દૂર કરી દેવાયા હતા અને ડિવાઈડરને પણ ચાલુ વરસાદમાં રંગરોગાન કરી દાદાને બધું સારું સારું દેખાડવાનો મહાનગર પાલિકાના તંત્ર દ્વારા પ્રયાસ કરાયો હતો..પરંતુ મેઘરાજા જાણે વડોદરાના શાસકો અને અધિકારીઓની પોલ ખોલવાના મૂડમાં હોય તેવુ લાગી રહ્યુ છે. જે રીતે ધોધમાર વરસાદ ચાલુ થયો છે , તે જોતાં શહેરમાં પાણી ભરાવા માંડ્યા છે. મુખ્યમંત્રી થોડા વરસાદમાં આ શહેરની કેવી હાલત થાય છે તે નજરે જોશે. આ સાથે જ પાલિકા તંત્રના શ્વાસ અધ્ધર થયા છે. જો વિશ્વામિત્રીમાં કેટલું પાણી આવે છે તેના ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે તે જોતાં શહેરના લોકો ફરી ટેન્શનમાં આવી ગયા છે.