મહાનગરપાલિકામાં બઢતીનો ધમધમાટ, કાર્યપાલ ઇજનેરોએ ‘સિટી ઇજનેર’ પદ માટે આપ્યા ઇન્ટરવ્યુ


(પ્રતિનિધિ), વડોદરા. તા.11
વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ખાલી પડેલી વર્ગ-1 ના અધિકારીઓની જગ્યાઓ ભરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. પાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 8 જેટલા કાર્યપાલ ઇજનેરોએ (Executive Engineers) ઉચ્ચ પદ પર બઢતી મેળવવા માટેના ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ પ્રક્રિયા બાદ પાલિકાના મહત્વના વિભાગોને ટૂંક સમયમાં જ કાયમી ઉચ્ચ અધિકારીઓ મળે તેવી શક્યતા છે. કાર્યપાલ ઇજનેર (સિવિલ) વર્ગ-1 ની પસંદગી માટેની આ મહત્વની પ્રક્રિયા ડેપ્યુટી કમિશનર ગંગા સિંઘની ઓફિસમાં હાથ ધરવામાં આવી હતી. આ પસંદગી સમિતિમાં ડેપ્યુટી કમિશનર ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સમિતિ દ્વારા ઉમેદવારોના અત્યાર સુધીના કામગીરીના રેકોર્ડ, ટેકનિકલ જ્ઞાન અને વહીવટી ક્ષમતાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પાલિકાના વિવિધ પ્રોજેક્ટ્સ અને ઝોનમાં કાર્યરત આઠ જેટલા સિનિયર કાર્યપાલ ઇજનેરો આ રેસમાં સામેલ છે. લાંબા સમયથી ઇન-ચાર્જ અધિકારીઓ દ્વારા ગાડું ગબડાવતા વિભાગોમાં હવે કાયમી નિમણૂક થવાથી કામગીરીમાં વેગ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પસંદગી સમિતિ પોતાનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને સોંપશે, જેના આધારે આગામી દિવસોમાં સત્તાવાર નિમણૂકના આદેશો બહાર પાડવામાં આવશે. પાલિકાના આંતરિક વર્તુળોમાં આ બઢતી પ્રક્રિયાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.